દેશના બે રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ બંને રાજ્યોમાં પ્રલય જેવી સ્થિતિ છે. આ રાજ્યોના ઘણા જિલ્લા વરસાદને કારણે ડૂબી ગયા છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી સંબંધિત ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં ૨૯ લોકોના મોત થયા છે. મંડી અને સોલનમાં વાદળ ફાટવાના કારણે ૧૨ લોકોના મોત થયા છે. તે જ સમયે, શિમલા શહેરના સમર હિલ વિસ્તારમાં એક શિવ મંદિરમાં ભૂસ્ખલનથી નવ અન્ય લોકોના મોત થયા છે. આ સિવાય ઘણા લોકો ગુમ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઉના, કિન્નૌર અને લાહોલ-સ્પીતિના ત્રણ જિલ્લાઓને બાદ કરતાં હવામાન વિભાગે રાજ્યના તમામ ૯ જિલ્લાઓમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને આભ ફાટવાના કારણે તબાહી મચી ગઈ છે. જેના કારણે ૨૯ થી વધુ લોકોના મોત થયા છે. વિવિધ સ્થળોએ કાટમાળ નીચે ૪૦થી વધુ લોકો દટાયા હોવાની આશંકા છે.હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા શિમલામાં ભૂસ્ખલન સ્થળ પર પહોંચ્યા જ્યાં ૨૦-૨૫ લોકો ફસાયા હોવાની આશંકા છે. રાજ્યપાલે કહ્યું, ‘રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવશે પરંતુ સ્વતંત્રતા દિવસ પર રાજભવન ખાતે ‘એટ-હોમ’ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ૭૫૧ રસ્તાઓ બંધ છે. આ ઉપરાંત ૪૬૯૭ પાવર ટ્રાન્સફોર્મર અને ૯૦૨ પાણી પુરવઠા યોજનાઓ બંધ કરવામાં આવી છે.ત્યારબાદ રાજધાની શિમલામાં પણ ભૂસ્ખલનને કારણે એક મોટી દુર્ઘટના થઈ હતી. પર્વત તૂટીને સમરહિલના શિવ મંદિર પર પડ્યો હતો. જેને કારણે કાટમાળ નીચે લગભગ ૨૪થી વધુ લોકો દટાયાની આશંકા છે અને અત્યાર સુધીમાં ૯ મૃતદેહો મળી આવ્યા છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ શ્રાવણ મહિનાના દરેક સોમવારે શિવ બાવડી મંદિરમાં ખીર ભંડારો થાય છે. ભારે વરસાદ વચ્ચે સવારથી જ મંદિરે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કેટલાક પૂજા કરી રહ્યા હતા જ્યારે કેટલાક ખીર રાંધવામાં વ્યસ્ત હતા. સતત વરસાદને કારણે મંદિરની ઉપરના પહાડ પર અચાનક ભૂસ્ખલન થયું હતું.
જેના કારણે અચાનક પર્વતનો મોટો ભાગ આવીને મંદિર પર પડ્યો. મંદિરમાં હાજર કેટલાક લોકો જ પોતાનો જીવ બચાવીને ભાગ્યા અને બાકીના કાટમાળ નીચે દટાઈ હતા. હિમાચલ પ્રદેશમાં સવારે સોલનમાં મમલીકના ધાયાવલા ગામમાં આભ ફાટવાની ઘટના બની હતી. સોલનના ડીસી મનમોહન શર્માના જણાવ્યાનુસાર આભ ફાટવાની ઘટનાને લીધે ૭ લોકો મૃત્યુ પામ્યા જ્યારે ૬ને બચાવી લેવાયા હતા. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના દ્રાંગ ઉત્તરશાલ વિસ્તારના બામ્બોલા, ગ્રામ પંચાયત સેગલીમાં કાટમાળ પડતાં એક મકાન દટાયું હતું. જેના કારણે તેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ે દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા રાજ્યના મુખ્યમંત્રી સુખવિંદ સિંહ સુક્ખુએ કહ્યું કે, શિવ મંદિરમાં થયેલી દુર્ઘટનાની જાણકારીથી તેઓ દુખી છે. સ્થાનિક પ્રશાસન ત્યાં કાટમાળ હટાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. કાટમાળ નીચે હજુ કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે. મુખ્યમંત્રી સુખુએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને માહિતી લીધી હતી. આ સિવાય રાજ્યના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે.