પુડ્ડુચેરી વિધાનસભામાં કોંગ્રેસની સરકાર પડી છે. કોંગ્રેસ વિધાનસભામાં બહુમત સાબિત કરી શકી નહી. સોમવારે સ્પીકરે જાહેરાત કરી કે સરકાર પાસે બહુમત નથી. ત્યારબાદ મુખ્યમંત્રી વી. નારાયણસામીની વિદાય હવે નક્કી થઈ ગઈ છે. નોંધનીય છે કે વિધાયકોના રાજીનામા બાદ કોંગ્રેસની સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી. આજે સદનમાં સરકારે બહુમત સાબિત કરવાનો હતો.
સદનમાં સરકાર પડ્યા બાદ સીએમ V Narayanasamy રાજભવન પહોંચ્યા હતા અને ગવર્નરને પોતાનું રાજીનામું આપ્યું હતું. આ સાથે જ પ્રદેશમાં અત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગશે તે નક્કી થઈ ગયું છે. રાજીનામું આપતા પહેલા વિધાનસભામાં થયેલી ચર્ચા દરમિયાન સીએમે ભાજપ પર આક્ષેપો કર્યા હતા.
મુખ્યમંત્રીએ કહ્યું કે, તમિલનાડુમાં અમે બે ભાષાઓ તમિલ અને અંગ્રેજીને ફોલો કરીએ છીએ પરંતુ ભાજપ અમારા પર જબરદસ્તી હિંદી ભાષા થોપવા ઈચ્છે છે. અમે ડીએમકે અને નિર્દલીય ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી. બાદમાં અમે કેટલીય ઉપચૂટણીનો સામનો કર્યો. અમે તમામ ચૂંટણી જીતી ગયા છીએ. એ સ્પષ્ટ છે કે, પોંડુચેરીના લોકો અમારા પર ભરોસો કરે છે.
સીએમ Narayanasamy એ કહ્યું કે, સરકાર બનાવ્યા બાદ અમે ખેડૂતોની સહકારી કૃષિ લોન માફ કરી. નાના ખેડૂતો માટે પીએમ મોદી 6000 રૂપિયા આપી રહ્યા છે જ્યારે અમે 37 હજાર 500 રૂપિયા આપીએ છીએ. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી અને પૂર્વ એલજી કિરણ બેદીએ અમને દબાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમ છતા, અમે લોકોના હિતમાં કામ કરવામાં સક્ષમ રહ્યા. રાજ્યમાં લોકો દ્વારા પસંદ કરાયેલા લોકોએ જ શાસન કરવું જોઈએ.
નારાયણસામીએ કહ્યું કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજ જ્યારે પોંડુચેરી આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, પોંડુચેરીને કેન્દ્રશાસિતની જગ્યાએ પૂર્ણ રાજ્ય હોવું જોઈએ. પરંતુ મોદી સરકારે આ વાયદો ક્યારેય પૂર્ણ ન કર્યો. હોબાળા બાદ કોંગ્રેસ અને ડીએમકેના ધારાસભ્યોએ સદનથી વોકઆઉટ કરી દિધું.