દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 23મીએ ગાઁધીનગરના મહેમાન બની રહ્યા છે ત્યારે સુરક્ષા,વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓને ધમધમાટ કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ ગાંધીનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. જેથી સુરક્ષાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. આ ઉપરાંત મહાત્મા મંદિર ખાતે યોજાનાર ગુજરાત વિશ્વ વિદ્યાલયનાં દીક્ષાંત સમારોહમાં કોવિડની ગાઇડ લાઇન અનુસાર રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ લેનારા તમામ વિદ્યાર્થીઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે.
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના મહેમાન બની રહ્યા છે ત્યારે તેઓ પાટનગર ગાંધીનગર ખાતે રહેશે. રાષ્ટ્રપતિની સુરક્ષામાં સેક્ટર-7, સેક્ટર 21 અને ઇન્ફોસિટી પોલીસ મથકની પોલીસની વિશેષ જવાબદારી રહેશે. આ ઉપરાંત 2 એસપી, 6 ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિત 300 થી વધારેનો પોલીસ કાફલો રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાયા છે. હાલ રાષ્ટ્રપતિ સુરક્ષા માટેના એસેસમેન્ટની તૈયારીઓ પણ શરૂ થઇ ચુકી છે.
રાષ્ટ્રપતિના આગમનના પગલે ગાંધીનગર સિવિલના સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ અનુસાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ડોક્ટર સહિત નર્સિંગનો પણ સ્ટાફ સ્ટેન્ડ ટુ રહેશે. સિવિલ હોસ્પિટલ ઉપરાંત મહાત્મા મંદિર અને રાષ્ટ્રપતિનો કોન્વોયમાં તમામ મેડિકલ સાધનોથી સજ્જ નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ સાથે રહેશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિના સીધા કે આડકતરા સંપર્કમાં આવનારા એકે એક વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.