કેન્દ્ર સરકાર ટ્વીટર પર લાલઘૂમ થઈ છે. કેન્દ્રએ સ્પષ્ટ શબ્દોમાં ટ્વીટરને સૂચના આપી કે જે યાદી સોંપી છે તે ટ્વીટર અકાઉન્ટ્સને સેન્સર તો કરવા જ પડશે. જો તમે આમ નહી કરો તો પછી તમારા ટોચના અધિકારીઓની ભારતમાં ધરપકડ થઈ શકે છે. સરકારે કહ્યું કે ‘ભડકાઉ કન્ટેન્ટ’વાળા ખાસ કરીને એ એકાઉન્ટસ જેને ખેડૂતોના નરસંહારવાળા હેશટેગ્સની સાથે ટ્વીટ કર્યા હતા. તેના પર કોઇ વાતચીત થઇ શકે નહીં. સરકારે કહ્યું કે આઇટી એકટની કલમ 69Aની અંતર્ગત આદેશનું પાલન કરવાની કંપનીએ ના પાડતા તેમની ધીરજ જવાબ આપવા લાગી છે.
બુધવારની મોડી સાંજે ટ્વિટરના ટોપના મેનેજમેન્ટની ભલામણ પર આઇટી સચિવે તેની સાથે વર્ચ્યુઅલી મુલાકાત કરી. સૂત્રો પ્રમાણે ટ્વિટરને કહેવામાં આવ્યું કે, ભારતના કાયદાનું પાલન કરવું પડશે અને ભારતીય વ્યવસ્થાઓ પ્રમાણે અહીં કારોબાર કરવો પડશે. આમ ન કરવા પર આઇટી કાયદાની કલમ 69એ હેઠળ ટ્વિટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે જેમાં જેલની સજાની પણ જોગવાઈ છે.
સરકાર સાથે જોડાયેલા એક સૂત્રે કહ્યું કે ટ્વિટરને આદેશોનું પાલન કરવું જ પડશે. આ વાતચીતનો વિષય નથી. આ દેશનો કાયદો છે અને જો કોઇને અમારી કાર્યવાહીથી મુશ્કેલી છે તો તમે કાયદાકીય રસ્તો અખત્યાર કરવા સ્વતંત્ર છો. કેન્દ્રને લાગે છે કે ટ્વિટરે તાત્કાલિક તેનો આદેશ માનવો જોઇએ. સૂત્રોએ કહ્યું કે જો તેઓ ખચકાતા કે અનિચ્છા દેખાડતા આમ કરે છે અથવા તો પછી આદેશ માનવામાં 10-12 દિવસ લાગે છે તો તેને અનુપાલન કહી શકાય નહીં.
સરકારે #ModiPlanningFarmerGenocide હેશટેગની સાથે ટ્વીટ કરનાર 257 હેન્ડલસને બ્લોક કરવાનું કહ્યું હતું. ટ્વિટરે તેમાંથી માત્ર 126ને બ્લોક કર્યા છે. ત્યારબાદ સરકારે 1178 એકાઉન્ટસનું બીજું એક લિસ્ટ મોકલ્યું. સરકારને શંકા હતી કે આ એકાઉન્ટસનો ખાલિસ્તાની અને પાકિસ્તાની તત્વો સાથે સંપર્ક છે. કંપનીએ તેમાંથી કુલ 583ને બ્લોક કર્યા છે.
સરકારે ટ્વિટરને ગત 31 જાન્યુઆરીએ ફાર્મર્સ જેનોસાઇટ સાથે જોડાયેલ 257 યૂઆરએલને નિષ્ક્રિય કરવાનો આદેશ આપ્યો, પરંતુ અત્યાર સુધી માત્ર 126 યૂઆરએલ વિરુદ્ધ કાર્યવાહી થઈ. આમ તો સરકારે 1178 એવા ટ્વિટર એકાઉન્ટને પણ બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો હતો જે પાકિસ્તાન તથા ખાલિસ્તાનના સમર્થક છે અને કિસાન આંદોલનના નામ પર ભારતમાં અશાંતિ અને ઉપદ્રવ ભડકાવવા માટે ટ્વીટ કરી રહ્યાં હતા. ટ્વિટરે માત્ર 583 એકાઉન્ટ બંધ કર્યા છે.