હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. સૌથી પહેલા મહાનરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાશે, બાદમાં નગરપાલિકા અને અન્ય ચૂંટણીઓ યોજાશે. ચૂંટણીને લઈને તમામ પક્ષોએ ઉમેદવારો નક્કી કરી લીધા છે અને આ ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ પણ ભરી દીધા છે. આ દરમિયાન પોરબંદર માંથી એક અજીક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિની બે પત્ની (ઘરવાળી અને બહારવાળી)એ અલગ અલગ પક્ષમાંથી સામસામે ઉમેદવારી નોંધાવતા ધમાચકડી મચી ગઈ છે. આ કેસમાં મહિલાના પતિએ બહારવાળીને ફોર્મ પરત ખેંચી લેવા અને પ્રચાર ન કરવાની ધમકી આપી છે.
પોરબંદર નગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ નંબર-3માંથી ‘ઘરવાળી’ અને ‘બહારવાળી’એ ભાજપ અને કૉંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવતા પતિએ માથાકૂટ કરી છે. આ કિસ્સામાં વ્યક્તિની હાલની પત્નીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે, જ્યારે કથિત પત્ની (બહારવાળી)એ કૉંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી છે. ‘ઘરવાળી’ અને ‘બહારવાળી’એ સામ સામે ઉમેદવારી નોંધાવતા મહિલાના પતિ એવા પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ કેશુ સીડાએ ‘બહારવાળી’ના ઘર બહાર તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત તેમણે ‘બહારવાળી’ને ચૂંટણીમાંથી ખસી જવા અને પ્રચારમા ન જવા માટે ધમકી આપી છે. આ મામલે સવાલ કરવામાં આવતા કેશુ સીડાએ એમ જણાવ્યું હતું કે અમારા ઘરમાં ઝઘડા કરાવવા માટે કૉંગ્રેસ પાર્ટીએ જ ‘બહારવાળી’ના ઘર બહાર તોડફોડ કરાવી છે.
આ કેસમાં મહિલાના પતિએ બહારવાળીના ઘર બહાર તોડફોડ કર્યા બાદ બંને વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો છે. જેમાં પતિ બહારવાળીને ચૂંટણી પ્રચારમાં ન જવા માટે ધમકી આપે છે. જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ કેશુ સીડાની ધર્મ પત્ની અને બહારવાળી મામલે હાલ પોરબંદર ભાજપ અને કૉંગ્રેસનું રાજકારણ ગરમાયું છે. આ કેસમાં બહારવાળીએ પોતાના કહેવાતા પતિ કેશુ સીડા સામે પોલીસ ફરિયાદ નોંધાવવા અને પોલીસ રક્ષણ માંગવા માટે તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે કેશુ સીડાની ગણતરી ભાજપના સિનીયર નેતાઓમાં થાય છે. તેમણે ઉષા સીડા સાથે લગ્ન કર્યાં છે. લગ્ન જીવનમાં તેમને ચાર દીકરી અને એક દીકરો છે. કેશુ સીડાએ પોતાના બીજા ઘરમાં શાંતિબેનને રાખ્યા છે. જેમને પણ તેઓ પોતાની પત્ની માને છે. શાંતિબેનને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. કેશુ સીડા કહે છે કે દશરથ રાજાને પણ ત્રણ પત્ની હતી એટલે હિન્દુ ધર્મ વધુ પત્ની રાખવાની મનાઈ નથી કરતો. આ તો બંધારણમાં મનાઈ છે.