પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં કંપનીના એક કેક ડિલિવરી બૉયે બ્લેકમેઇલ કરીને 66 મહિલાઓને પોતાની જાળમાં ફસાવીને હવસનો શિકાર બનાવી અને તેમની સાથે રેપ કર્યો. હુગલીના આ સીરિયલ રેપ કાંડમાં સણસણતો ખુલાસો થયો છે. ડિલિવરી બૉયે જે મહિલાઓની સાથે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો તેમાંથી એક પીડિતાએ પોતાની પીડા જણાવી. ઉલ્લેખનીય છે કે આ સીરિયલ રેપ કાંડ થોડાક દિવસ પહેલા સામે આવ્યું છે. હુગલીમાં ડિલિવરી બૉય દ્વારા મહિલાઓને ફીડબેકના નામ પર બ્લેકમેઇલ કરીને સતત રેપની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો. આ મામલે એક પીડિત મહિલાના નિવેદને સૌને વિચારવા માટે મજબૂર કર્યા છે. આજના સમયમાં તમામ પ્રકારના ફીડબેકના મેસેજ અને કૉલ આવે છે. આવામાં આપણે ઘણા સતર્ક રહેવાની જરૂર છે.
આ સીરિયલ રેપિસ્ટની શિકાર થયેલી પીડિતાએ જણાવ્યું કે, આ મહિનાની 18 તારીખના આરોપી જે એક જાણીતી કંપનીમાં ડિલિવરી બૉય તરીકે કામ કરતો હતો, તેણે વોટ્સએપ પર તેના કેટલાક અશ્લિલ વિડીયો બતાવ્યા અને તેને બ્લેકમેઇલ કરવા લાગ્યો. પીડિતાના જણાવ્યા પ્રમાણે, ડિલિવરી બૉયે કહ્યું કે, જો તેની સાથે શારીરિક સંબંધ ના બનાવ્યો તો તે તેના વિડીયો સાર્વજનિક કરી દેશે. પીડિતાએ જણાવ્યું કે, આરોપીએ ફીડબેકના નામે મહિલા સાથે વિડીયો કૉલ પર વાચચીત કરી હતી. આ દરમિયાન તેણે પીડિતાની કેટલીક વાંધાજનક તસવીરો અને વિડીયો પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા.
એટલું જ નહીં, પીડિતાએ એ આરોપ પણ લગાવ્યો કે તેને બ્લેકમેઇલ કરવાની સાથે સાથે બંદૂકની અણી પર દુષ્કર્મ પણ કર્યું. પીડિતા અનુસાર, આરોપીએ તેની પાસે સોનાની રિંગ અને ઘરેણાની પણ માંગ કરી હતી અને તેને ધમકી આપી હતી કે જો પીડિતાએ આરોપીને પોતાના સોનાના ઘરેણા ના આપ્યા તો તેના વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દેશે. પીડિતાના જણાવ્યા પ્રમાણે, આરોપી વિશાલ વર્માના દોસ્ત સુમન મંડલે પણ તેનું જાતિય શોષણ કર્યું અને તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો. પીડિતાએ જણાવ્યું કે, આરોપીએ અન્ય કેટલીય મહિલાઓ અને છોકરીઓના વાંધાજનક વિડીયો પણ તેને મોબાઇલમાં બતાવ્યા.
ધરપકડ થયા બાદ આરોપી વિશાલ વર્માએ પણ પોતાની મોડસ ઑપરેન્ડી વિશે ખુલાસો કર્યો. આરોપીએ જણાવ્યું કે, ફીડબેકના નામ પર વિડીયો કૉલ કરવા દરમિયાન મહિલાઓના કેટલાક વાંધાજનક ફોટા અને વિડીયો બનાવ્યા બાદ તે એ મહિલાઓને બ્લેકમેઇલ કરતો હતો અને શારીરિક સંબંધ બનાવવા માટે મજબૂર કરતો હતો. આ મામલે પોલીસે બંને આરોપી વિશાલ વર્મા અને સુમન મંડલની ધરપકડ કરીને 5 દિવસના પોલીસ રિમાન્ડમાં લીધા છે. પોલીસ આરોપીઓની સખ્ત પૂછપરછ કરી રહી છે.