ટૂલકિટ મામલે ક્લાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની પોલીસ કસ્ટડી શુક્રવારના ખત્મ થઈ રહી હતી. તેને આજે દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કૉર્ટમાં હાજર કરી. ત્રણ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની દિલ્હી પોલીસની અરજી પર કૉર્ટે ચુકાદો સંભળાવ્યો. દિલ્હી કૉર્ટે દિશાને ત્રણ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે કૉર્ટને જણાવ્યું કે તે શાંતનુ અને નિકિતાની સામે દિશાની પૂછપરછ કરવા ઇચ્છે છે.
પટિયાલા હાઉસ કૉર્ટમાં દિલ્હી પોલીસના વકીલ ઇરફાન અહમદે ત્રણ દિવસની ન્યાયિક કસ્ટડીની માંગ કરી હતી, જેને સ્વીકારી લેવામાં આવી છે. અહમદે કહ્યું કે, પોલીસ કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન દિશા પ્રશ્નોના જવાબ આપવામાં આનાકાની કરી રહી છે. અહમદે અદાલતને જણાવ્યું કે, દિલ્હી પોલીસે શાંતનુને નોટિસ પાઠવી છે. દિશાએ શાંતનુ અને નિકિતા જૈકબ પર ઠીકરું ફોડ્યું છે, આ કારણે અમે તેમને સામસામે બેસાડીને પૂછપરછ કરવા ઇચ્છીએ છીએ. પોલીસે શાંતનુને 22 ફેબ્રુઆરીના તેની સામે હાજર થવા કહ્યું છે.
દિશા રવિના વકીલ સિદ્ધાર્થ અગ્રવાલે કેશ ડાયરી રજૂ કરવા માંગ કરી છે. તેમણે દાવો કર્યો કે પોલીસ તરફથી અનેક દાવા કરવામાં આવી રહ્યો છે. અગ્રવાલે ડાયરી સાથે છેડછાડની શક્યતા પણ વ્યક્ત કરી. એડવોકેટ અભિનવ સેખરીએ લીગલ ઇન્ટરવ્યૂની માંગ કરી ત્યારબાદ અદાલતે લૉકઅપમાં દિશા રવિને મળવાની પરવાનગી આપી. અદાલતને જણાવવામાં આવ્યું કે, દિશા રવિએ જામીન અરજી આપી છે, જે 20 ફેબ્રુઆરીના સુનાવણી માટે આવશે.
21 વર્ષિય કાર્યકર્તાને તેની 5 દિવસની પોલીસ કસ્ટડીના અંતમાં સખ્ત સુરક્ષા વચ્ચે અદાલતમાં હાજર કરવામાં આવી હતી. ખેડૂતોના વિરોધથી સંબંધિત સોશિયલ મીડિયા પર ‘ટૂલકિટ’ શેર કરવા અને એડિટ કરવાના આરોપમાં દિશા રવિને 13 ફેબ્રુઆરીના બેંગ્લોરથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી. દિલ્હી પોલીસે પ્રો-ખાલિસ્તાની ગ્રુપ (પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન) અને તેના સક્રિય સભ્યોની ઓળખ કરવા અને હટાવવામાં આવેલા વોટ્સએપ ગ્રુપને ફરીથી પ્રાપ્ત કરવા માટે કસ્ટડીની માંગ કરી હતી.
આ પહેલા આજે દિલ્હી હાઈકૉર્ટે કહ્યું કે, ટૂલકિટ મામલે જળવાયુ કાર્યકર્તા દિશા રવિની વિરુદ્ધ નોંધવામાં આવેલી FIRની તપાસ વિશે મીડિયામાં આવેલા કેટલાક સમાચારો ‘સનસનાટીભરી અને પૂર્વાગ્રહથી ભરેલી રિપોર્ટિંગ’ તરફ સંકેત કરે છે. અદાલતે આ પ્રકારની સામગ્રીને આ તબક્કામાં હટાવવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો, પરંતુ મીડિયાને કહ્યું કે લીક થયેલી તપાસ સામગ્રી પ્રસારિત ના કરવામાં આવે.”