બેંગલુરુના એક બાયોલોજિકલ પાર્કમાં ખુબ જ ચેપી વાયરસ ફેલાયાની ઘટના સામે આવી છે જેમાં સાત દીપડાના બચ્ચાના મોત થયા છે. આ કારણે પાર્કમાં ફફ્ડાટ ફેલાયો છે. અધિકારીઓએ ગઈકાલે આ માહિતી આપતા જણાવ્યું હતું કે ફેલિન પેનલ્યુકોપેનિયા બિલાડિઓનો એક વાયરલ રોગ છે જે પર્વોવાયરસથી ફેલાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બિલાડીના બચ્ચાઓ તેનાથી વધુ પ્રભાવિત થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રથમ કેસ ૨૨મી ઓગસ્ટના રોજ સામે આવ્યો હતો, જે સાત દીપડાના બચ્ચાના મોત થયા છે તે ત્રણથી આઠ મહીનાના હતા અને તેમને રસી આપવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન જ તેમનું મોત થયુ હતું.
આ ઉપરાંત બાયોલોજિકલ પાર્કના એક્ઝક્યુટિવ ડાયરેક્ટર એ.વી. સૂર્ય સેને જણાવ્યું હતું કે દીપડાના સાત બચ્ચાને રસી આપવામાં આવી હતી તેમ છતાં તે સંક્રમિત થયા હતા. હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને છેલ્લા ૧૫ દિવસમાં એક પણ બચ્ચાના મોત થયા નથી. આ સિવાય વધુમાં જણાવતા તેઓએ કહ્યું હતું કે તમામ જરુરી પગલા લેવામાં આવ્યા છે અને તમામ જરુરી પ્રક્રિયાનું પાલન કર્યું છે અને અમે વરિષ્ઠ પશુચિકિત્સકોની સાથે પણ આ કેસોની ચર્ચા કરી છે. હાલ સમગ્ર પાર્કમાં સ્વચ્છતા કરવામાં આવી છે તેમજ પાર્કને જીવાણું મુક્ત કરવામાં આવ્યું છે. આ પાર્કમાં ૨૨મી ઓગસ્ટે સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો હતો અને ૧૫ દિવસની અંદર જ સાત સંક્રમિત બચ્ચાના મોત થયા હતા.
અમે સફારી ક્ષેત્રમાં નવ દીપડાના બચ્ચાને છોડ્યા હતા, જેમાંથી ચારના સંક્રમણના કારણે મોત થયા તેમજ અન્ય ત્રણ બચ્ચા પણ સંક્રમિત થયા હતા પરંતુ તેને સારવાર માટે રેસક્યું સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન જ મોત થયા હતા. આ ત્રણેય બચ્ચાની યોગ્ય સારવાર ચાલી રહી હતી તેમ છતાં બે અઠવાડિયામાં જ મોત થયા હતા તેમ અધિકારીએ જણાવ્યું હતું.