દેશભરમાં શેરબજાર ટ્રેડીંગ માટેના એક સૌથી મોટા પ્લેટફોર્મ નેશનલ સ્ટોક એકસચેંજમાં આજે સવારે 11.40 કલાકે કનેકટીવીટી ખોરવાતા જબરી અફડાતફડી મચી ગઈ છે અને લગભગ 4 કલાક જેવા સમય છતાં હજું પણ કનેકટીવીટી સમસ્યા યોગ્ય ન થતા અને એનએસઈનું કામકાજ ખોરવાતું જ રહેતા આજના દિવસના અનેક પ્રકારના સોદા અંગે પ્રશ્નો સર્જાયા છે અને એક વખત કનેકટીવીટી ઓકે થાય પછી આ સમસ્યા વધુ ચિંતા કરાવશે તેવા સંકેત છે. આજે સવારે 11.40 કલાક પહેલા ફયુચર એન્ડ ઓપ્શન સેગમેન્ટમાં કનેકટીવીટી ખોરવાઈ હતી અને થોડીજ મીનીટોમાં કેશ સેગમેન્ટમાં પણ આ સમસ્યા સર્જાતા સમગ્ર સ્ટોક એકસચેંજનું કામ ઠપ્પ થઈ ગયું હતું.
એન.એસ.ઈ.ના સૂત્રોના જણાવ્યા મુજબ બે ટેલીકોમ્યુનીકેશન કંપનીના નેટવર્કમાં સમસ્યા હોવાનું જણાવ્યું છે અને બન્ને કંપનીઓના એન્જીનીયરે તથા નેશનલ સ્ટોક એકસચેંજની એન્જીનીયરીંગ ટીમ સંયુક્ત રીતે આ કનેકટીવીટી પુન: સ્થાપવા માટે પ્રયાસો કરી રહી છે. બન્ને કંપનીઓએ તેની લીંકમાં ક્ષતિ હોવાનું સ્વીકાર્યુ છે પણ તે ત્રણ-ચાર કલાક સુધી ઠપ્પ જ રહી હોય તેવી આ પ્રથમ ઘટના છે અને હજું તે લીંક સ્થાપીત કરી શકાઈ નથી.
શેરબજારનાસૂત્રોએ જણાવ્યું આ કનેકટીવીટી ખોરવાતા આજે ઈન્ટ્રા-ડે સોદા જે ઉભા છે તેનું શું તે પ્રશ્ન સર્જાયો છે તથા કાલે તા.25ના રોજ ફેબ્રુઆરી વલણનો આખરી દિવસ છે અને તેમાં પણ વેપાર ઉભા છે તે અંગે પણ જબરી સમસ્યા સર્જાશે. શેરબજારના સતાવાળાઓએ જણાવ્યું હતું કે એક વખતે કનેકટીવીટી ઓકે થઈ જાય પછી પરિસ્થિતિ જોયા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે. નીફટી 14820 પર હતો અને 112 પોઈન્ટનો વધારો જોવા મળતો હતો. આજે બીએસઈમાં કામકાજ સામાન્ય હતા પણ નેશનલ સ્ટોક એકસચેંજમાં વધુ કામ હતા જેથી વધુ પ્રશ્નો સર્જાયા છે.