ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાતની તરત પછી પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે પુછ્યું કે, 8 તબક્કામાં ચૂંટણી કોને ફાયદો પહોંચાડવા માટે રાખવામાં આવી છે? મમતા બેનર્જીએ કહ્યું કે, આ બધી રીતો કામે નહીં આવે. બંગાળમાં બંગાળી જ રાજ કરશે. અમે બીજેપીને હરાવીને રહીશું. તેમણે કહ્યું કે, બીજેપીએ ચૂંટણી પંચનો ઉપયોગ કર્યો છે. બીજેપી આખા દેશના ભાગલા પાડી રહી છે અને આ જ પ્રયત્ન તે પશ્ચિમ બંગાળમાં પણ કરશે. તેમણે કહ્યું કે, ગૃહમંત્રી અને પીએમ પોતાની તાકાતોનો દૂરઉપયોગ ના કરે.
તેમણે કહ્યું કે, આખરે બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી કેમ કરાવવામાં આવી રહી છે? જે બીજેપીએ કહ્યું, ચૂંટણી પંચે એ જ કર્યું. એક જિલ્લામાં 2-3 તબક્કામાં ચૂંટણી કેમ? ઉલ્લેખનીય છે કે 294 સીટોવાળી વિધાનસભા માટે વોટિંગ 27 માર્ચ, (30 સીટ), 1 એપ્રિલ (30 સીટ), 6 એપ્રિલ (31 સીટ), 10 એપ્રિલ (44 સીટ), 17 એપ્રિલ (45 સીટ), 22 એપ્રિલ (43 સીટ), 26 એપ્રિલ (36 સીટ), 29 એપ્રિલ (35 સીટ)ના થશે. પશ્ચિમ બંગાળમાં પણ મત ગણતરી 2 મેના રોજ થશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં તૃણમૂલ કૉંગ્રેસે પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ઇતિહાસ રચી દીધો હતો. મમતા બેનર્જીના નેતૃત્વમાં પાર્ટીએ 34 વર્ષ બાદ લેફ્ટની સરકાર ઉખાડી ફેંકી હતી. ત્યારબાદ અત્યાર સુધી મમતા સતત 2 વાર બંગાળની મુખ્યમંત્રી બની ચુકી છે. આવામાં પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે શું દીદી આ વખતે જીતની હેટ્રિક લગાવશે કે પછી બંગાળમાં ભગવો લહેરાશે? તો કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી 2019 લોકસભા ચૂંટણીના પરિણામોનું આધાર બનાવતા ઉત્સાહથી લથબથ છે.
બીજેપી તરફથી સતત દાવો કરવામાં આવી રહ્યો છે કે તે 294 સીટોની વિધાનસભામાં 200 સીટો મેળવશે. આ દરમિયાન અનેક કદાવર ટીએમસી નેતાઓએ બીજેપીનો હાથ પકડ્યો છે. રાજનીતિના દ્રષ્ટિકોણથી સૌથી ગરમ મનાતા પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં વોટિંગ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની 294 સીટો માટે આ વખતે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. અહીં મુખ્ય ટક્કર બીજેપી અને મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કૉંગ્રેસની વચ્ચે છે.