મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને રામમંદિર અને હિન્દુત્વનો મુદ્દો ફળ્યો હતો. જયારે કોંગ્રેસે મોઘવારી,બેકારી સહિતના મુદ્દે મત માંગ્યા પણ મતદારોએ આ બધુય સ્વિકાર્ય રાકી ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા હતાં. જોકે, આંખે ઉડીને વળગે તેવી વાત એ પણ હતીકે, આપનુ દિલ્હી મોડલ પણ ગુજરાતી મતદારોએ વખાણ્યુ હતું.
મહાનગરપાલિકાના ચૂંટણીમાં તક જોઇને ભાજપે વિકાસનો મુદ્દાને કોરાણે મૂકી દીધો હતો જયારે રામમંદિર અને લવજેહાદના મુદ્દાને મતદારો સમક્ષ આગળ ધર્યો હતો. ઉમેદવારોની પસંદગીમાં રામમંદિરમાં ફાળો આપ્યો હોય તેની પહેલી પસંદ કરવા નક્કી કરાયુ હતું.
શહેરી વિસ્તારોમાં લવ જેહાદ,370મી કલમ,સીએએ સહિતના મુદ્દાઓને ચગાવાયા હતાં જેનો ભાજપને ફાયદો થયો હતો.ચૂંટણીમાં છેલ્લી ઘડીએ વિરોધ પક્ષના નિવેદનન ચગાવી તેનો રાજકીય લાભ લેવામાં ભાજપને તોલે કોઇ આવી શકે તેમ નથી.
કોંગ્રેસે આ વખતે પેટ્રોલ-ડિઝલના ભડકે બળતાં ભાવો ઉપરાંત મોઘવારીના મુદ્દાને ચગાવ્યો હતો જેની શહેરી મતદારો પર કોઇ જાણે અસર જ વર્તાઇ ન હતી. ભાજપના ભ્રષ્ટ્રાચારનો મુદ્દો પણ બિન અસરકારક રહ્યો હતો.
આ તરફ, ઔવેસીના ઉશ્કેરણીજનક ભાષણોથી લઘુમતી મતદારો પ્રભાવિત રહ્યાં હતાં. સામાજીક-ધાર્મિક લાગણીમાં તણાઇ જતાં ઔવેસીના ઉમેદવારોને ફાયદો થયો હતો. આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતમાં દિલ્હી મોડલ લાગુ કરવાની વાત મતદારો સમક્ષ કહી હતી.
મતદારોને જાણે આ વાત ગમી હતી જેના કારણે અન્ય કોઇ શહેરોના મતદારો આ મુદદાથી આકર્ષિત થઇ શક્યા ન હતાં પણ ખાસ કરીને સુરતીલાલાઓને કેજરીવાલ પર એવો ભરોસો બેઠો હતોકે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ગઢ સુરતમાં ગાબડુ પડયુ હતું. આમ, ભાજપને રામમંદિર ફળ્યુ હતુ તો આપને દિલ્હી મોડલનો રાજકીય લાભ મળ્યો હતો.