LG Electronics IPO
LG Electronics IPO Update: કંપનીના CEOએ કહ્યું, આ ઘણા બધા વિકલ્પોમાંથી એક છે જેને આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. તેમણે કહ્યું કે, વૈશ્વિક રોકાણકારોમાં આ અંગે ઘણી ઉત્સુકતા છે.
LG Electronics IPO: દક્ષિણ કોરિયાની દિગ્ગજ કંપની LG Electronics ભારતમાં તેનો IPO (ઇન્શિયલ પબ્લિક ઑફરિંગ) લૉન્ચ કરી શકે છે. કંપની આ અંગે ગંભીરતાથી વિચાર કરી રહી છે. એલજી ઈલેક્ટ્રોનિક્સે 2030 સુધીમાં ભારતમાં તેના કારોબાર માટે $75 બિલિયનની આવકનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ હાંસલ કરવા માટે, કંપની ભારતીય સ્ટોક એક્સચેન્જમાં કંપનીને સૂચિબદ્ધ કરવાનું વિચારી રહી છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, LG ઈલેક્ટ્રોનિક્સના સીઈઓ વિલિયમ ચોએ જણાવ્યું હતું કે, ભારતીય શેરબજારમાં કંપનીનું લિસ્ટિંગ એ દાયકાઓ જૂના કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસમાં નવો પ્રાણ ફૂંકવા માટેનો એક મુખ્ય વિકલ્પ છે. આ પહેલીવાર છે જ્યારે LG ઇલેક્ટ્રોનિક્સે ભારતીય શેરબજારમાં લિસ્ટિંગ વિશે કંઈપણ કહ્યું છે, જો કે લાંબા સમયથી તેની અટકળો કરવામાં આવી રહી છે.
એલજી ગ્રુપ સાથે ત્રણ દાયકા સુધી કામ કર્યા બાદ વિલિયમ ચોએ 2021માં સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે વર્ષ 2030 સુધીમાં કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસ માટે $75 બિલિયન વાર્ષિક આવકનું લક્ષ્ય નક્કી કર્યું છે. જ્યારે વર્ષ 2023માં કંપનીની આવક 65 અબજ ડોલર હતી. વિલિયમ ચોએ બ્લૂમબર્ગ ટેલિવિઝનને ભારતમાં કંપનીના સંભવિત IPO લોન્ચિંગ સંબંધિત પ્રશ્ન પર કહ્યું, આ ઘણા વિકલ્પોમાંથી એક છે જેને આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. તેમણે કહ્યું કે, વૈશ્વિક રોકાણકારોમાં આ અંગે ઘણી ઉત્સુકતા છે. પરંતુ હાલ કંઈ નક્કી નથી.
LG Electronics દક્ષિણ કોરિયાની પહેલી કંપની નથી જેના IPOની ચર્ચા થઈ રહી છે. કોરિયન દિગ્ગજ ઓટોમોબાઈલ કંપની હ્યુન્ડાઈ મોટર પણ ભારતમાં તેનો આઈપીઓ લોન્ચ કરવા જઈ રહી છે, જેના માટે કંપનીએ તેના ડ્રાફ્ટ પેપર શેરબજાર નિયમનકાર સેબીમાં ફાઈલ કર્યા છે. કંપની IPOમાં 17.5 ટકા હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે. Hyundai Motors IPO દ્વારા કુલ $3 બિલિયન એટલે કે લગભગ રૂ. 25,000 કરોડ એકત્ર કરી શકે છે. એટલે કે આ ભારતીય શેરબજારનો સૌથી મોટો IPO સાબિત થવા જઈ રહ્યો છે. સેબીની મંજૂરી બાદ હ્યુન્ડાઈ મોટરનો આઈપીઓ આ વર્ષે દિવાળી સુધીમાં આવે તેવી શક્યતા છે.