ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં નબળા દેખાવના પગલે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી રેટિંગમાં એક ક્રમ નીચે ઉતરીને પાંચમા ક્રમે સરક્યો છે અને જો રુટ શાનદાર બેટિંગ પર્ફોર્મન્સના લીધે ત્રીજા ક્રમે આવ્યો છે. જ્યારે બુમરાહ અને અશ્વિન બોલરોના રેટિંગમાં ઉચકાયા છે.
પ્રથમ ટેસ્ટમાં ૧૧ અને ૭૨ રન કરનાર કોહલી બુધવારે જારી થયેલા છેલ્લા રેન્કિંગ મુજબ એક ક્રમ નીચે ઉતરીને ૮૫૨ પોઇન્ટ સાથે પાંચમાં ક્રમે ઉતર્યો છે. જ્યારે પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના ૨૨૭ રનના વિજયમાં શાનદાર ભૂમિકા ભજવનાર કેપ્ટન રુટ ૮૮૩ પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. આમ સપ્ટેમ્બર ૨૦૧૭ પછી તેનો આ ટોચનો ક્રમ છે. તેણે ભારતીય ઉપખંડમાં ત્રણ જ ટેસ્ટમાં ૬૮૪ રન ખડક્યા છે. તેમા શ્રીલંકા સામેની બે ટેસ્ટનો પણ સમાવેશ થાય છે.
રુટ નવેમ્બર ૨૦૧૭ પછી કોહલીથી આગળ નીકળ્યો છે. હાલમાં તે ટોચના ક્રમ પરના વિલિયમ્સનથી ૩૬ રન પાછળ છે અને બીજા ક્રમના સ્ટીવ સ્મિથથી આઠ પોઇન્ટ પાછળ છે. લબુશેને ચોથું સ્થાન જાળવી રાખ્યું છે.
ભારત વતી પ્રથમ ઇનિંગ્સમાં ૯૧ રન કરનારા રિષભ પંતે ૭૦૦ પોઇન્ટ સાથે તેનો ૧૩મો ક્રમ જાળવી રાખ્યો છે. જ્યારે ઓપનર ગિલ સાત ક્રમ ઉચકાઈ ૪૦માં ક્રમે ગયો છે. ઓલરાઉન્ડર સુંદર બે સ્લોટ ઉચકાઈ ૮૧ પર પહોંચ્યો છે. ડાબેરી સ્પિનર શાહબાઝ નદીમ બે સ્થાન ઉચકાઈ બોલરોમાં ૮૫મા ક્રમે પહોંચ્યો છે.
પ્રથમ ટેસ્ટના સારા દેખાવના પગલે ભૂતપૂર્વ ટોપ રેન્કિંગ ધરાવતો જેમ્સ એન્ડરસન છઠ્ઠાથી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.