રાહુલ ગાંધીના નિવેદન પર બીજેપી સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પ્રતિક્રિયા આપી છે. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, બીજેપીમાં જ્યોતિરાદિત્ય સિંધિયા બેક બેન્ચર છે. આને લઇને જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, કાશ રાહુલ ગાંધી ચિંતા ત્યારે કરતા, જ્યારે હું કૉંગ્રેસમાં હતો.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાહુલ ગાંધીને જવાબ આપતા કહ્યું કે, આટલી ચિંતા રાહુલજીને હવે છે, કાશ આટલી ચિંતા ત્યારે થઈ હોત જ્યારે હું કૉંગ્રેસમાં હતો. આનાથી વધારે મારે કંઇ નથી કહેવું. ત્યારબાદ જ્યોતિરાદિત્ય સિંધિયા આગળ જતા રહ્યા. ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ 11 માર્ચ 2020ના બીજેપીની સદસ્યતા ગ્રહણ કરી લીધી હતી. ત્યારબાદ એમપી કૉંગ્રેસના 22 ધારાસભ્યોએ પણ રાજીનામું આપ્યું હતુ અને કમલનાથની સરકાર પડી ગઈ હતી.
એક વર્ષ બાદ રાહુલ ગાંધીએ જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ લઇને ટોણો માર્યો હતો. તો હવે જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ પ્રતિક્રિયા આપી છે. તો રાહુલ ગાંધીના નિવેદન પર બીજેપીએ પણ વળતો પ્રહાર કર્યો છે. મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ રાહુલ ગાંધી પાસે માંગ કરી છે કે તેઓ રાજસ્થાનમાં સચિન પાયલટને સીએમ બનાવી દે.
સાથે જ ટ્વિટર પર પણ સચિન પાયલટને સીએમ બનાવવાની માંગ ટ્રેન્ડ કરી રહી છે. બીજેપીએ કહ્યું છે કે, વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે વરરાજા કોઈ બીજો બતાવ્યો અને લગ્ન બીજા કોઈ સાથે કરાવી દીધા.