ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર સ્કોર્પિયોમાં વિસ્ફોટક મળવાના મામલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)કરશે. આ મામલે મહારાષ્ટ્ર ATS પણ તપાસ કરી રહી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર કેન્દ્ર અને રાજ્ય સરકાર સામસામે આવી શકે છે. સ્કોર્પિયોના માલિક મનસુખના શંકાસ્પદ મૃત્યુ મામલે રવિવારે મહારાષ્ટ્ર ATSએ એક FIR નોંધાવી છે.
મનસુખના મૃતદેહની તપાસ દરમિયાન તેના ચહેરા પર પાંચ રૂમાલ બાંધેલા હતા, જેને જોતાં જ હત્યા માનવામાં આવી રહી હતી. પૂર્વ મુખ્યમંત્રી અને મહારાષ્ટ્રના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ આ મામલાની તપાસ NIA પાસે કરાવવાની માગ કરી હતી. માનવામાં આવે છે કે આ જ બાબતને પગલે કેન્દ્રીય ગૃહમંત્રાલયે તપાસ NIAને સોંપી છે.
મહત્વનું છે કે, 25 ફેબ્રુઆરીએ દક્ષિણ મુંબઈમાં પેડર રોડ સ્થિત એન્ટિલિયા બહાર વિસ્ફોટકોથી ભરેલી એક સ્કોર્પિયો કાર પાર્ક કરેલી મળી હતી. 24 ફેબ્રુઆરીની મધરાતે 1 વાગે આ સ્કોર્પિયો એન્ટિલિયા બહાર પાર્ક કરવામાં આવી હતી. બીજા દિવસે ગુરુવારે તેના પર પોલીસની નજર પડી હતી અને કારમાંથી 20 જિલેટીન સ્ટિક્સ જપ્ત કરવામાં આવી હતી. 5 માર્ચે આ સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનનો મૃતદેહ મળી આવ્યો હતો. થોડા દિવસ પહેલાં જ મનસુખે આ કાર ખોવાઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.