એક અરજીની સુનાવણી દરમિયાન વિરાટને તોડવા ઉપર સ્ટે, ખરીદનારને સુપ્રીમ કોર્ટ દ્વારા નોટિસ ઈશ્યુ કરાઈ
નવી દિલ્હી,
આઈએનએસ વિરાટને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. અલંગ શિપયાર્ડમાં રહેલ આઈએનએસ વિરાટને તોડવા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન વિરાટને તોડવા પર સ્ટે આપી દીધો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે ખરીદનારને નોટિસ ઈશ્યુ કરી છે. હાલ અલંગ શિપયાર્ડ બ્રેકિંગમાં વિરાટને તોડવાની કામગીરી ચાલી રહી છે. આઈએનએસ વિરાટને સંગ્રહાલયમાં બદલવાની માગ કરી હતી.
આઈએનએસ વિરાટ વર્ષ ૧૯૫૯માં બનાવવામાં આવ્યું હતું અને આ યુદ્ધ જહાજ વર્ષ ૧૯૮૭માં ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક યુદ્ધ જહાજે ભારતીય નેવીમાં ત્રીસ વર્ષ સુધી સેવા બજાવી હતી.૧૮૦૦૦ ટન એલબીટી ધરાવતા આઈએનએસ વિરાટ જહાજની પહોળાઇ ૪૯ મીટર, લંબાઇ ૨૨૫ મીટર છે. અને તે વિશિષ્ટ રીતે બનાવવામાં આવેલું છે.
આઈએનએસ વિરાટ ભાવનગરના શ્રીરામ ગૃપે ખરીદ્યું હતું. તેને અલંગમાં સ્ક્રેપ માટે તોડવાનું હતું પરંતુ તેને સંગ્રહાલય તરીકે વિકસાવવાની માંગને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો હતો જે હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. હાલ તો સુપ્રીમ કોર્ટે આઈએનએસ વિરાટને તોડવા પર રોક લગાવી છે.
ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ જેણે ૫૬ વર્ષ સૌથી લાંબો સમય યુદ્ધ જહાજ તરીકે સેવા આપીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું. તે આઈએનએસ વિરાટ ભાવનગરના અલંગ એન્કર પોઈન્ટ પર ભંગાણ (ડિસ્મેન્ટલ) થવા માટે આવ્યું હતું. ભારતીય નૌકાદળ દ્વારા ૩૦ વર્ષ સુધી આઇએનએસ વિરાટની સેવા લેવામાં આવી હતી. આઈએનએસ વિરાટે યુ.કેમાં ૨૬ વર્ષ અને ભારતમાં ૩૦ વર્ષ એટલે કે ૫૬ વર્ષ સુધી સેવા આપેલી. ત્રણ દાયકા સુધી આઈએનએસ વિરાટે સમુદ્ર પર રાજ કર્યું હતું અને વિરાટ દેશની શાન હતું. જેને ૬ઠ્ઠી માર્ચ, ૨૦૧૭ સેવા નિવૃત્ત કરવામાં આવ્યું.
અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં આવેલી શ્રી રામ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઓનલાઇન ઓક્શનમાં રૂપિયા ૩૮.૫૪ કરોડની કિંમતે આઇએનએસ વિરાટની ખરીદી કરવામાં આવી હતી.
મુંબઇથી ટગની સાથે બાંધીને તેને અંલગ એંકર પોઈંટ પર લાવવામાં આવ્યું હતું. ૧૮ હજાર ટન એલડીટી ધરાવતા આ યુદ્ધ જહાજને વર્ષ ૧૯૫૯માં બનાવવામાં આવ્યું હતું. આ યુદ્ધ જહાજ વર્ષ ૧૯૮૭માં ભારતીય નેવીમાં સામેલ થયું હતું. શ્રીલંકા હોય, સંસદ પરનો હુમલો હોય કે કારગીલ હોય તે સમયે આઈએનએસ વિરાટે મહત્વની ભૂમિકા ભજવી હતી