નવી દિલ્હી. શારજાહથી લખનઉ આવી રહેલી ઈન્ડિગોની એક ફ્લાઇટને મેડિકલ ઇમરજન્સી ઓનબોર્ડ બાદ મંગળવારે પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી. ઈન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું કે, મેડિકલ ઇમરજન્સીને કારણે આવું કરવું પડ્યું. જોકે પેસેન્જરને બચાવી શકાયો નહીં. કરાચી એરપોર્ટ મેડિકલ ટીમે તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી દીધો.
એરલાઇનનું કહેવું છે કે, ફ્લાઇટ 6E 1412- શારજાહથી લખનઉ આવી રહી હતી અને તેને કરાચી તરફ ડાયવર્ડ કરવી પડી. નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, અમે આ સૂચના આપતા ખૂબ દુઃખી છીએ અને અમારી પ્રાર્થનાઓ તેમના પરિવારની સાથે છે.
પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ્સ મુજબ, ઈન્ડિગો એરલાઇન્સના પ્લેનને પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર લેન્ડિંગ કરવું પડ્યું છે. મળતી માહિતી મુજબ પ્લેનની અંદર પેસેન્જરને હાર્ટ અટેક આવતા પાયલટે ઇમરજન્સી લેન્ડિંગ માટે કરાચી એરપોર્ટ પર મંજૂરી માંગી હતી. પ્લેન લેન્ડ થાય તે પહેલા જ પેસેન્જરનું મોત થયું હતું.
આ પહેલા આ મહિને એક ભારતીય એર એમ્બ્યૂલન્સે ઇંધણ ભરાવવા માટે ઇસ્લામાબાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. બીજી તરફ 179 પેસેન્જરોને લઈને દિલ્હી જનારું ગોએરના પ્લેને કરાચી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. નવેમ્બર 2020માં એક પેસેન્જરને કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો. મુસાફરી દરમિયાન તેને મેડિકલ સહાયતા આપવામાં આવી હતી પરંતુ તેને પણ મૃત જાહેર કરવામાં આવ્યો હતો.