ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ શાનદાર તેજીમય રહ્યો. સવારે તેજી સાથે માર્કેટની શરૂઆત થઈ હતી અને દિવસભર આ ટ્રેન્ડ જળવાઈ રહ્યો. આજે પણ સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે નવી રેકોર્ડ ઊંચાઈ પર બંધ રહ્યા હતા. રોકાણકારોની ખરીદી નીકળતાં બજારને સપોર્ટ મળી રહ્યો છે, જેના કારણે રોજ નવી ઊંચાઈ સ્પર્શી રહ્યું છે. આજે તમામ સેક્ટર લીલા નિશાનમાં બંધ થયા હતા. રોકાણકારોની સંપત્તિ વધીને ૩૦૩.૬૦ લાખ કરોડ પર પહોંચી છે. ગત સપ્તાહના અંતિમ કારોબારી દિવસ શુક્રવારે રોકાણકારોની સંપત્તિ વધીને ૨૯૮.૫૭ લાખ કરોડ હતી. એક જ કારોબારી દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં ૫ લાખ કરોડનો વધારો થયો છે.
ભારતીય શેરબજારના સૂચકાંક સેન્સેક્સ ૫૨૯.૦૩ પોઇન્ટ વધીને ૬૬,૫૮૯.૯૩ પોઇન્ટ અને નિફ્ટી ૧૫૬.૬૫ પોઇન્ટ વધીને ૧૯,૭૨૧.૧૫ પોઇન્ટની નવી રેકોર્ડ ઊંચાઈ પર બંધ રહ્યા હતા. બેંક નિફ્ટી પણ ૬૯.૦૨૦ પોઇન્ટ વધીને ૪૫,૫૦૯.૫૦ પોઇન્ટ પર બંધ રહી શુક્રવારે ૫૦૨.૦૧ પોઇન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ બંધ રહ્યો હતો. બે કારોબારી સત્રમાં સેન્સેક્સમાં ૧૦૦૦ પોઇન્ટનો વધારો થયો છે. બેંકિગ સ્ટોક્સમાં ખરીદીના કારણે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ફરી એક વખત ભારતીય શેરબજાર રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયું છે.
બેંકિંગ શેર્સમાં ખરીદીના કારણે આજે બેંક નિફ્ટીમાં આશરે ૭૦૦ પોઇન્ટનો ઉછાળો આવ્યો. આજે ૨૦૧૩ શેર વધ્યા, ૧૫૫૯ શેર ઘટ્યા અને ૧૭૪ શેરમાં કોઈ બદલાવ ન થયો. સેન્સેક્સના ૩૦ શેરમાંથી ૧૮માં તેજી અને ૧૨માં ઘટાડો જાેવા મળ્યો. જ્યારે નિફ્ટીના ૫૦માંથી ૩૧ શેર વધારા અને ૧૯ શેર ઘટાડા સાથે બંધ થયા.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ડો, રેડ્ડીઝ લેબ, વિપ્રો, ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેંક નિફ્ટીના ટોચના વધનારા શેર્સ હતા. જ્યારે હીરો મોટો કોર્પ, ઓએનજીસી, ભારતી એરટેલ, ટાટા મોટર્સ અને જેએસડબલ્યુ સ્ટીલ નિફ્ટીના ઘટનારા શેર્સ હતા.
બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ ૦.૩ ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧ ટકા વધ્યો.
આજના કારોબારની શરૂઆત જાેરદાર ઉછાળા સાથે થઈ હતી અને એનએસઈનિફ્ટી ૪૭.૬૫ પોઈન્ટ્સ વધારા સાથે ૧૯,૬૧૨.૧૫ ના રેકોર્ડ હાઈ પર ખુલ્યો હતો. બીએસઈનો સેન્સેક્સ પણ ૮૭.૨૮ પોઈન્ટ એટલે કે ૦.૧૩ ટકાના વધારા સાથે ૬૬,૧૪૮.૧૮ પર ખુલ્યો હતો.