અક્ષર પટેલ (5 વિકેટ) અને રવિચંદ્રન અશ્વિન (4 વિકેટ)ના તરખાટની મદદથી અમદાવાદમાં રમાય રહેલી ડે-નાઇટ ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 10 વિકેટે વિજય મેળવ્યો છે. ભારતને જીતવા માટે 49 રન બનાવવાના હતા. જે ભારતે 7.4 ઓવરમાં વિના વિકેટે બનાવી લીધા હતા. રોહિત શર્માએ 25 અને શુભમન ગિલે 15 રન બનાવ્યા હતા.
અમદાવાદમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ ફક્ત બે દિવસમાં જ ખતમ થઈ ગઈ છે. આ જીત સાથે ભારતે ચાર ટેસ્ટની શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટ 4 માર્ચથી અમદાવાદમાં રમાશે.
ઇંગ્લેન્ડ બીજા દાવમાં 81 રનમાં આઉટ
ઇંગ્લેન્ડ બીજા દાવમાં 81 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આમ ભારતને જીતવા માટે 49 રનનો પડકાર મળ્યો હતો. ભારતને પ્રથમ દાવમાં 33 રનની લીડ મળી હતી. ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધારે 25 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 5, અશ્વિને 4 અને વોશિંગ્ટન સુંદરે 1 વિકેટ ઝડપી હતી.
ઝેક ક્રાવલે (00), ડોમ શિબલે (7), જોન બેરિસ્ટો (00), બેન સ્ટોક્સ (25) અને કેપ્ટન જો રુટ (19) સસ્તામાં આઉટ થયા ઇંગ્લેન્ડે 56 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી અક્ષર પટેલે અને અશ્વિનના તરખાટ સામે ઇંગ્લેન્ડનો ધબડકો થયો હતો.
અક્ષરની બોલિંગમાં અસમાન બાઉન્સ. બેટ્સમેન સ્પિન માટે રમે તો બોલની લાઈન જજ કરી શકે, લેંથ નહિ. લેંથથી બચી જાય પણ ભૂલથી બોલ એંગલ સાથે અંદર આવે તો પણ બેટ્સમેનને પેવેલિયન ભેગો થવાનો જ વારો આવે. અહીં 150 રન ચેઝ કરવા પણ અઘરા સાબિત થશે. જો એટ ઓલ, 150 રનનો ટાર્ગેટ મળે તો.