ભારત અને ચીનની વચ્ચે લદ્દાખ સરહદ પર સૈનિકોને પાછા હટાવવાની પ્રક્રિયા શરૂ છે. ગુરૂવારના બંને દેશોની વચ્ચે આ પ્રક્રિયાનું ચોથું સ્ટેપ પણ શરૂ થઈ ગયું છે. કરાર થયા બાદ બંને દેશ ઝડપથી પોતાના સૈનિકો, હથિયારો અને ટેન્કોને પાછી બોલાવી રહ્યા છે. જાણકારી પ્રમાણે, ડિસએન્ગેજમેન્ટના આ સ્ટેપમાં રેજાંગ લા અને રેચિન લાથી સેનાઓને પાછી હટાવવાની છે. ચીની સેના પેંગોંગ લેકના દક્ષિણ ભાગથી ઝડપથી પાછી ખસી રહી છે. અહીં તેમણે બનાવેલા સ્ટ્રક્ચર્સને પણ નષ્ટ કરી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે એપ્રિલમાં શરૂ થયેલા વિવાદ બાદ આ જ મહિને બંને દેશોમાં કરાર થયો છે. ત્યારબાદ બંને દેશોની સેનાઓએ પોતાના સૈનિક પાછા હટાવવાનું શરૂ કર્યું છે. પેંગોંગ લેક પર ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયાનો પહેલો ફેઝ 24થી 48 કલાકમાં પૂરો થઈ જશે, ત્યારબાદ બંને સેનાઓ આનું વેરિફિકેશન કરશે. કરાર પ્રમાણે, જ્યારે બંને દેશ વેરિફિકેશન કરી લેશે અને ત્યારબાદ આશા કરવામાં આવી શકે છે કે બંને દેશોમાં કમાન્ડર લેવલની વાતચીતનો દશમો તબક્કો શરૂ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ભારત અને ચીનની વચ્ચે જે કરાર થયો છે, તેના પ્રમાણે હવે લદ્દાખના પેંગોંગ લેકમાં ચીન ફિંગર 8 સુધી પાછું જશે, જ્યારે ભારત ફિંગર 3 પર પાછું આવશે. આ દરમિયાન જ્યાં સુધી બંને દેશ પોતાની સેનાને પાછી નથી બોલાવી લેતા, ત્યાં સુધી પેંગોંગ વિસ્તારમાં પેટ્રોલિંગ પર પ્રતિબંધ રહેશે. ભારતના નૉર્ધન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ વાઈ.કે. જોશીએ તાજેતરમાં જ એક વાતચીતમાં જણાવ્યું છે કે ભારતે આ સંપૂર્ણ પ્રક્રિયામાં પોતાનું ક્ષેત્ર બિલકુલ પણ નથી ગુમાવ્યું, જ્યારે દેશના જવાનોએ ચીની સેનાનો હિંમતથી અડગ રહીને સામનો કર્યો છે.
તેમણે કહ્યું કે, બંને દેશો એક સમજુતી પર સહમત થયા છે. સમજુતી પ્રમાણે ચીન ફિંગર 8 અને ફિંગર 4થી પાછળ જશે. ફિંગર 8 આપણી ક્લેમ લાઇન છે. ચીની સેનાએ ફિંગર 8થી પાછળ હટવાનું શરૂ પણ કરી દીધું છે. છેલ્લા 10 મહિનામાં ફિંગર 4થી ફિંગર 8 વચ્ચે જેટલા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કર્યા છે તેને પણ ધ્વસ્ત કરવામાં આવી રહ્યાં છે. તેમના બંકર અને ટેન્ટ પણ હટાવવામાં આવી રહ્યાં છે. ફિંગર 4 અને ફિંગર 8 વચ્ચેની સ્થિતિ એપ્રિલ 2020 પહેલા જેવી જ બની જશે. ચીન આપણા ક્લેમ લાઇન પાસે કોઈ એક્ટિવિટી પણ કરશે નહીં. આ આપણા માટે મોટી સફળતા છે.