નવી દિલ્હી: ચેન્નાઇ ટેસ્ટની પહેલી ઈનિંગમાં પાંચ વિકેટ લેનાર રવિચંન્દ્ર અશ્વિને તેની બીજી ઈનિંગમાં પણ શાનદાર બેટીંગ કરી સદી ફટકારી દીધી છે. અશ્વિને તેના ટેસ્ટ કરિયરમાં પાંચમી સદી ફટકારી છે. અશ્વિને ચેન્નાઈ મુશ્કેલ પીચ પર જોરદાર બેટીંગ કરતા 134 બોલમાં તેની સદી પૂર્ણ કરી હતી. આ સદી સાથે જ અશ્વિને એક નવો રેકોર્ડ પણ બનાવી દીધો છે.
આર. અશ્વિન એશિયાનો પહેલો એવો ક્રિકેટર બની ગયો છે જેણે ત્રણ વાર એક જ ઈનિંગમાં પાંચ વિકેટ લેવાની સાથે સદી પણ ફટકારી છે. મહત્વનું છે કે ઈયાન બોથમ આ પ્રકારનો રેકોર્ડ પાંચ વાર બનાવી ચૂક્યો છે. જ્યારે શાકિબ અલ હસન, ગૈરા સોબર્સ, મુશ્તાક મોહમ્મદ, જૈક કાલિસ પણ આ પ્રકારનો રેકોર્ડ 2-2 વાર કરી ચૂક્યા છે. અશ્વિને તેના કરિયારના પાછલી ચાર સદી વેસ્ટઈન્ડિઝ સામે મારી છે અને હવે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સદી ફટકારી છે.
મુશ્કેલ પીચ પર અશ્વિનની જોરદાર સદી
ચેન્નાઈની પીચ પર પ્રથમ દિવસે જ ઈંગ્લેન્ડના મોટાભાગના પૂર્વ ખેલાડીઓ સવાલ ઉભા કરી રહ્યા હતા. પીચ પહેલા દિવસથી જ સ્પિન બોલરો માટે સારી સાબિત થઇ રહી હતી. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં 134 રન પર ઓલ-આઉટ થઇ હતી જેથી ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડીઓ પીચ પર સવાલ ઉઠાવી રહ્યા હતા પરંતુ બીજી ઈનિંગમાં અશ્વિને શાનદાર સદી ફટકારી હતી જેથી તેમની બોલતી બંધ થઇ ગઇ છે.