કોરોનાના કેસમાં જે રીતે ચઢાવ ઉતાર જોવા મળ્યો હતો તેવી જ ઊછળકૂદ સોનાના ભાવમાં પણ જોવા મળી છે. દિલ્હી સોના-ચાંદી બજારમાં છેલ્લા ૧૦ માસમાં સોનાના ભાવમાં તેની સર્વોચ્ચ સપાટીથી રૂ. ૧૨૦૦૦નું ગાબડું નોંધાયું હતું.
દિલ્હી સોના-ચાંદી બજારમાં ગત વર્ષે ઓગસ્ટ માસ દરમિયાન સોનાના ભાવ વધીને રૂ. ૫૬૫૯૦ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા હતા. જો કે, ત્યારબાદ વિવિધ પ્રતિકૂળ અહેવાલો પાછળ સોનાના ભાવમાં સતત પીછેહઠ થઈ રહી છે. જે હાલ રૂ. ૪૩૯૫૦ના સ્તરે ઊતરી આવ્યા છે. આમ, છેલ્લા ૧૦ માસમાં સોનાના ભાવમાં રૂ. ૧૨૦૦૦નું ગાબડું નોંધાયું છે.
વિવિધ પ્રતિકૂળ પરિબળોના કારણે સોનાના ભાવમાં થઈ રહેલી સતત પીછેહઠના કારણે સોનામાં રોકાણ કરનાર વર્ગ ચિંતામાં મુકાઈ ગયો છે. ઊદ્ભવેલ આ પ્રતિકૂળ સ્થિતિના કારણે આ રોકાણ જાળવી રાખવું કે બહાર નીકળી જવું તે મુદ્દે અનિર્ણાયક સ્થિતિ ઉદ્ભવી છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ભૂતકાળમાં સોનાએ રોકાણના અન્ય સાધનોની તુલનાએ ઉંચું વળતર પૂરું પાડયું હોવાથી રોકાણકારોએ સોનામાં મોટાપાયે રોકાણ કર્યું હતું. પરંતુ ચાલુ વર્ષે ઉલટી ગંગા જોવા મળી છે અને સોનામાં ભાવ તુટતા રોકાણકારોને મોટાપાયે નુકસાન થયું છે. ગત વર્ષે સોનામાં ૨૮ ટકા જેટલું અને તેના અગાઉના વર્ષે ૨૫ ટકા જેટલું રિટર્ન મળ્યું હતું.
જાણકારોના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે ડોલરમાં પીછેહઠની સોનાના ભાવ પર પ્રતિકૂળ અસર થવા પામી છે. બોન્ડ માર્કેટમાં આવેલ ઉછાળાની પણ કિંમતી ધાતુઓ પર પ્રતિકૂળ અસર જોવા મળી છે.