પોંડુચેરીમાં કોંગ્રેસ સરકાર સંકટમાં છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ રાજીનામું આપતા કોંગ્રેસની સરકાર અહીંયા અલ્પમતમાં આવી ગઈ છે. ત્યારે આજે પોંડુચેરીમાં કોંગ્રેસ સરકારે બહુમતી સાબિત કરવી પડશે.
ઉપ-રાજ્યપાલ ડો.તમિલીસાઈ સુંદરરાજને સાંજે 5 વાગે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યએ રાજીનામાં આપ્યાં છે અને એક ધારાસભ્યને ગેરલાયક ઠરાવવામાં આવ્યા બાદ વી. નારાયણસામીની સરકાર સંકટમાં છે. 33 ધારાસભ્યોવાળી વિધાનસભામાં અત્યારે 28 ધારાસભ્ય છે. એમાં સત્તા પક્ષ પાસે 12 અને વિપક્ષ વિપક્ષ પાસે 14 ધારાસભ્ય છે. જોકે નારાયણસામી હજુ પણ બહુમતી હોવાનો દાવો કરી રહ્યા છે.
16 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસ ધારાસભ્ય એ જોન કુમારે રાજીનામું આપી દીધું હતું. નારાયણસામીના નજીકના ગણાતા કુમાર રાજીનામું આપનાર કોંગ્રેસના ચોથા ધારાસભ્ય હતા. આ અગાઉ એ નમસ્સિવમ, મલ્લાદી કૃષ્ણા રાવ અને ઈ થેપયન્થન પણ રાજીનામુ આપી ચૂક્યા છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય એ ધનવેલીનું સભ્યપદ પક્ષવિરોધી પ્રવૃત્તિઓને લીધે સમાપ્ત કરવામાં આવ્યું હતું.
કિરણ બેદી અને પુડ્ડુચેરીના મુખ્યમંત્રી વી. નારાયણસામી વચ્ચે લાંબા સમયથી ટકરાવ ચાલી રહ્યો હતો. સામી આ વખતે પ્રધાનમંત્રી સુધી ફરિયાદ કરી ચૂક્યા છે. નારાયણસામી મોટા ભાગે કિરણ બેદી પર ચૂંટાયેલી સરકારના દૈનિક કામકાજમાં દરમિયાનગીરી કરવાનો આરોપ લગાવતા રહ્યા છે. ત્યાં સુધી કે વર્ષ 2019માં ફેબ્રુઆરીમાં નારાયણસામી ઉપરાજ્યપાલના રહેઠાણ રાજ નિવાસની બહાર મંત્રીઓ સાથે ધરણા પર બેસી ગયા હતા.
જોકે, આ સાથે એવું કહેવામાં આવે છે કે કેન્દ્રએ નારાયણસામીની ફરિયાદને લીધે નહીં પણ પુડ્ડુચેરીના ભાજપ તથા સહયોગી AIADMK નેતાઓ પાસેથી મળેલા પ્રતિભાવોના આધારે આ પગલું ભરવામાં આવ્યું છે. પુડ્ડુચેરીના ભાજપા અને AIADMK નેતાઓને ડર હતો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ કિરણ બેદીને ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો બનાવી શકે છે. હકીકતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કિરણ બેદીએ પ્રજાને નારાજ કરતા અનેક નિર્ણયો લીધા છે.
રાહુલ ગાંધીના પુડ્ડુચેરી પ્રવાસ અગાઉ કિરણ બેદીને હટાવવાનો નિર્ણય સામે આવ્યો છે. કેટલાક નિષ્ણાતોનુ કહેવું છે કે રાહુલ પોતાના પ્રવાસ દરમિયાન કિરણ બેદી પર આકરા પ્રહારો કરવાની તૈયારીમાં હતા. જોકે, બેદીને હટાવવામાં આવતા મુખ્યમંત્રી નારાયણસામીએ દાવો કર્યો કે તેમના દબાણને લીધે ભારત સરકારે કિરણ બેદીને પદ પરથી હટાવ્યા છે, કારણ કે તેઓ કલ્યાણલક્ષી યોજનાઓમાં અવરોધ ઉભો કરતા હતા.