ફ્રાન્સમાં ફરી એ વખત કોરોના સંક્રમણ અને મૃત્યુ આંક વધવા લાગ્યો છે. શનિવારે કુલ મળીને 21 હજાર 231 કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન 328 સંક્રમિત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. શુક્રવારે 20 હજાર 701 કેસ નોંધાયા હતા અને 310 લોકોના મૃત્યુ થયા હતા.
એક જ દિવસમાં હોસ્પીટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં 10 હજાર કરતાં પણ વધારો થયો હતો. આરોગ્ય મંત્રાલયે પણ માન્યું છે કે સંક્રમણ અને મૃત્યુ થનાર આંકમાં વધારો થયો છે. જો કે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે નેશનલ લોકડાઉન નહીં લગાવવામાં આવે. ફ્રાન્સમાં બે મહીના પહેલા દરરોજ 50 હજાર કરતાં પણ વધુ કેસ નોંધાઈ રહ્યા હતા. સરકારે કડક લોકડાઉન દ્વારા પરિસ્થિતીમાં સુધારો મેળવ્યો.
વેક્સિનેશનની વચ્ચે દુનિયાના અનેક દેશોમાં ફરી એક વખત કોરોનાના દર્દીઓ વધવાની ગતિ ઝડપી થઇ રહી છે. જેને ધ્યાનમાં રાખતા અમેરિકા, કેનેડા અને મેક્સિકોએ દેશમાં 21 માર્ચ સુધી પ્રતિબંધોને લંબાવી દીધા છે. જે અનુસાર, અહીં રહેતા લોકો જરૂરી કામ સિવાય ટ્રાવેલ નહીં કરી શકે. લોકોએ પોતાના પ્રવાસનું કારણ ફરજિયાત જણાવવું પડશે. અત્યાર સુધી તે પ્રતિબંધો 21 ફેબ્રુઆરી સુધી જ લગાવાયા હતા.
આ વચ્ચે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને જાહેરાત કરી છે કે જુલાઇ સુધી દર અમેરિકને વેક્સિન મૂકવવી પડશે. તેમણે કહ્યું હતું કે સરકાર આ માટે પૂરી રીતે તૈયાર છે. આ બાબતે ફાઇઝરે કહ્યું હતું કે તે દર સપ્તાહે અમેરિકાને એક કરોડ ડોઝ આપવા માટે તૈયાર છે. અમેરિકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 5.70 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી ચૂકી છે. બીજા નંબર પર ચીન છે, જ્યાં 4 કરોડ લોકો સુધી વેક્સિન પહોંચી ચૂકી છે. યૂરોપિયન યૂનિયનમાં અત્યાર સુધીમાં 2.45 કરોસ અને ભારતમાં 1.04 કરોડ લોકોને વેક્સિન લગાવવામાં આવી છે.
સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં 11 કરોડ 12 લાખથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાં 24 લાખ 62 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 8 કરોડ 61 લાખ લોકો સજા થઈ ચૂક્યા છે. 2 લાખ 26 હજાર દર્દીઓ હજી સારવાર હેઠળ છે. દુનિયામાં 19 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી ચૂકી છે.