હરિયાણા રાજ્ય સરકાર પ્રાઇવેટ સેકટરમાં સ્થાનિકોને 75 ટકા આરક્ષણ આપશે. ગયા વર્ષે નવેમ્બરમાં ખાનગી ક્ષેત્રમાં સ્થાનિક ઉમેદવારોને 75 ટકા સુધી અનામત આપવા માટેના હરિયાણા સરકારે પસાર કરેલા ખરડાને હવે રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. થોડા સમય પહેલા આંધ્રપ્રદેશમાં પણ આ જ નિયમ આવ્યો હતો. જોકે, તેને આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
આંધ્રપ્રદેશની તર્જ પર હવે હરિયાણા સરકારે પણ ખાનગી ક્ષેત્રમાં 75 ટકા નોકરીઓ અનામત રાખવાની જાહેરાત કરી છે. જો કે, સ્થાનિક ઉમેદવારો માટે આ અનામત એક નિશ્ચિત પગાર મર્યાદા સુધી રહેશે. સ્થાનિક ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં નોકરી મળી શકે એ માટે નવેમ્બર 2020માં રાજ્ય સરકારે સ્થાનિક ઉમેદવારોનું હરિયાણા સ્ટેટ ઇમ્પ્લોયમેન્ટ ઓફ લોકલ કેન્ડીડેટ બિલ 2020 પસાર કર્યું હતું. હવે 2 માર્ચે રાજ્યપાલે તેને મંજૂરી આપી દીધી છે. હરિયાણા સરકારના આ બિલ વિશે ઘણી બાબતો સમજવી જરૂરી છે. શું હરિયાણામાં ખાનગી ક્ષેત્ર માટે પણ આ એક પડકાર બનશે? તે ધ્યાનમાં રાખીને અમે તમને વિવિધ મીડિયા અહેવાલો અને આ બિલના આધારે સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ.
તમામ પ્રકારની કંપનીઓ, સોસાયટીઓ, ટ્રસ્ટ, લિમિટેડ લાયબીલીટી પાર્ટનરશિપ ફર્મ, ભાગીદારી પેઢીઓ અને 10 થી વધુ લોકોને રોજગારી આપતી કોઈપણ વ્યક્તિ અથવા એકમને આવરી લેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વખતોવખત જાહેરનામું પણ જારી કરવામાં આવશે. આ બિલમાં, ‘એમ્પ્લોયર’ ની વ્યાખ્યા કંપની એક્ટ, 2103 અથવા હરિયાણા રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન ઓફ સોસાયટી એક્ટ, 2012 અથવા મર્યાદિત લિમિટેડ લાયબીલીટી પાર્ટનરશિપ એકટ, 2008, અથવા ભારતીય ટ્રસ્ટ એક્ટ, 1882 હેઠળ આવતી કંપનીઓ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. ટ્રસ્ટ અથવા કોઈપણ વ્યક્તિ / એકમ કે જે 10 થી વધુ લોકોને રોજગારી આપે છે તે બધા પણ સામેલ થશે. અલબત્ત તેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા આ બંને હેઠળની કોઈ અન્ય સંસ્થા શામેલ કરવામાં આવશે નહીં.
હરિયાણાના કોઈપણ રહેવાસીને સ્થાનિક ઉમેદવાર તરીકે ગણવામાં આવશે અને જો તે રાજ્યમાં ખાનગી ક્ષેત્રમાં કામ કરશે તો તેનો લાભ મળશે. ઉમેદવારોએ પણ પોર્ટલ પર ફરજીયાત નોંધણી કરાવવી પડશે. આમાં, તેઓને આ અનામતનો લાભ લેવા માંગે છે તેવું દર્શાવવું પડશે. આ પોર્ટલ દ્વારા એમ્પ્લોયરોએ પણ નિમણૂક કરવાની રહેશે.
દરેક એમ્પ્લોયરે કોઈપણ પોસ્ટ માટે 75 ટકા સ્થાનિક ઉમેદવારો પસંદ કરવા પડશે. આ નિયમ ફક્ત રૂ. 50,000 કે તેથી ઓછા પગારવાળી પોસ્ટ માટે જ લાગુ થશે. આ માટે રાજ્ય સરકાર સમયાંતરે નોટિફિકેશન જાહેર કરશે. ઉમેદવાર હરિયાણાના કોઈપણ જિલ્લાનો હોઈ શકે છે. પરંતુ કોઈ એક જિલ્લામાં 10 ટકાથી વધુ ઉમેદવારો ન હોવા જોઈએ. જો કે, નોકરી આપનાર કોઈપણ જિલ્લામાં 10 ટકા ઉમેદવારની પસંદગી કરી શકે છે.
એમ્પ્લોયરની અરજી સાચી છે તેવું સરકાર નિયુક્ત અધિકારીને લાગે તો જ તેને 75 ટકા અનામત આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે. સ્કિલ માટે પૂરતા લોકલ ઉમેદવાર હોય તો જ આ મુક્તિ માટે જ અરજી કરી શકશે. એમ્પ્લોયરને આ માટે ડેપ્યુટી કમિશનરના સમકક્ષ અથવા તેનાથી ઊંચા પદના અધિકારીની નિમણૂક કરવી પડશે. આ અધિકારી એમ્પ્લોયર દ્વારા વિશેષ સ્કિલ, યોગ્યતા અથવા કાર્યક્ષમતાવાળા ઉમેદવાર માટે મુક્તિની આ માંગ કેટલી વાજબી છે તેની તપાસ કરશે. અધિકારીને એમ્પ્લોયરના ક્લેમને સ્વીકારવાનો અથવા નકારવાનો અધિકાર હશે. એમ્પ્લોયર ઉમેદવારોને તેમના માટે પૂરતી કુશળતા, યોગ્યતા અને કાર્યક્ષમતા માટે તાલીમ આપે છે કે નહીં તેનો અધિકારી નિર્દેશ કરી શકે છે.