અમદાવાદ: કોરોનાના કેસ નિયંત્રણમાં આવતા શિક્ષણ વિભાગ આખરે શાળાના એક પછી એક વર્ગો શરૂ કરી રહ્યું છે. બીજી તરફ પ્રાથમિક શિક્ષણના ધોરણ 6થી 8ના વર્ગો શરૂ તો થયા છે, પરંતુ 40 ટકા વાલીઓ બાળકોને શાળાએ મોકલવામાં અસહમત જણાઈ રહ્યા છે. વાલીઓએ બાળકોને ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખી ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી છે. જેના કારણે ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી છે.
11 મહિના બાદ આખરે શિક્ષણ વિભાગે પ્રાયમરી શિક્ષણના ધોરણ 6થી 8ના વર્ગો પણ શરૂ કર્યા છે. 11 મહિનાથી શાળામાં અભ્યાસથી દૂર રહેલા બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. જોકે, વર્ગોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી. અમદાવાદની વાત કરીએ તો શહેરની મોટાભાગની શાળાઓમાં અંદાજે 40 ટકા વિદ્યાર્થીઓએ શાળાએ આવવાનું ટાળ્યું છે. જે પ્રકારે હાલમાં કોરોનાના કેસ ફરીથી વધાવાની શરૂઆત થઈ છે તેને જોતા વિદ્યાર્થીઓના વાલીઓ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.
વાલીઓ અઠવાડિયા બાદ નિર્ણય લેશે અથવા માર્ચની શરૂઆતમાં બાળકોને શાળાએ મોકલે તેવું હાલ શાળાના સંચાલકોને લાગી રહ્યું છે. શહેરની અમુક ખાનગી શાળાઓએ પણ પહેલી માર્ચથી સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ઘણી શાળાઓએ ઓનલાઈન અભ્યાસ પૂર્ણ કરવી દીધો હોઈ માત્ર એકઝામ માટે જ શાળા શરૂ કરશે તેવો અભિપ્રાય પણ શાળા સંચાલકો સામે આવી રહ્યા છે.
વાલીઓ બાળકોને શાળાએ મોકલવા તૈયાર ન હોય તેમના માટે ઓનલાઇન શિક્ષણનો વિકલ્પ ખુલ્લો રખાયો છે. મહત્ત્વનું છે કે પ્રાયમરી શાળા શરૂ કરવા મુદ્દે વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા વાલીઓએ સંમતિપત્ર આપવું ફરજિયાત છે. સ્કૂલ શરૂ થયા બાદ શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને કોવિડ 19ની કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત રહશે.