ગ્રેટા થનબર્ગ ટૂલકિટ કેસમાં મંગળવારે એક વધુ ખુલાસો થયો છે. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે ગ્રેટા થનબર્ગે જ્યારે ખેડૂત આંદોલન સાથે જોડાયેલી ટૂલકિટ ટ્વિટ કરી તેના તુરંત પછી જ એક્ટિવિસ્ટ દિશાએ તેને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો. તેમાં દિસાએ ગ્રેટાને કહ્યું હતું કે, ટૂલકિટને ટ્વિટ ના કરતાં, કારણકે તેમાં અમારા બદાના નામ છે. દિલ્હી પોલીસે દિશાએ બનાવેલા એક વોટ્સએપ ગ્રૂપ વિશે માહિતી માંગી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈન્ટરનેશનલ ફાર્મર સ્ટ્રાઈક નામનું આ ગ્રૂપ ખેડૂત આંદોલનની ગતિવિધિઓને જોડવા માટે બનાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે, આ ગ્રૂપ 6 ડિસેમ્બરે બનાવવામાં આવ્યું હતું અને તેમાં 10 સભ્યો જોડાયેલા છે. ત્યારપછી દિશાએ તેના ફોનમાંથી દરેક નંબર ડિલીટ કરી દીધા હતા.
ગ્રેટા થનબર્ગ ટૂલકિટ કેસમાં સામેલ નિકિતા જૈકબે વર્ચ્યુઅલ મીટિંગમાં સામેલ હોવાની વાત સ્વીકારી લીધી છે. નિકિતાએ કહ્યું છે કે, 26 જાન્યુઆરી પહેલાં પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશનના ફાઉન્ડર એમઓ ધાલીવાલ, દિશા અને અન્ય લોકો સાથે ઝૂમ એપ પર મીટિંગમાં સામેલ થઈ હતી. દિલ્હી પોલીસે મંગળવારે જણાવ્યું કે, આ મીટિંગ 11 જાન્યુઆરીએ થઈ હતી. તેમાં 70 લોકો સામેલ હતા. પોલીસે ઝૂમ એપથી બધાની માહિતી માંગી છે.
ટૂકલિટનો હેતુ આંદોલનની તસવીર રજૂ કરવી: નિકિતાના વકીલે મુંબઈ પોલીસ સામે આ મુદ્દે અમુક દસ્તાવેજ રજૂ કર્યા છે. તેમાં નિકિતાએ કહ્યું છે કે, ટૂલકિટ એક્સટિંક્શન રિબેલિયન NGO(XR)ના ભારતીય વોલિયન્ટર્સે બનાવી હતી. તેનો હેતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ખેડૂત આંદોલનની તસવીર રજૂ કરવાનો હતો.
તેણે કહ્યું, સ્વીડનની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ સાથે મેં કોઈ માહિતી શેર કરી નથી. આ ટૂલકિટ ડોક્યુમેન્ટ ઈન્ફોર્મેશનલ પેક હતી અને તેનો હેતુ હિંસા ભડકાવવાનો નહતો. તેની પાછળ મારો કોઈ રાજકીય, ધાર્મિક અથવા આર્થિક એજન્ડા પણ નહતો.
દિલ્હી પોલીસે કહ્યું કે, વર્ચ્યુઅલ મીટિંગમાં નિકિતા અને પુણેના એન્જિનિયર શાંતનુ સિવા 70 લોકો સામેલ હતા. પોલીસે મીટિંગમાં સામેલ દરેક લોકોની ડિટેલ ઝૂમ એપ પાસે માંગી છે. પોલીસે કહ્યું કે, આ મીટિંગ પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન (PJF)એ બોલાવી હતી, જેનો ફાઉન્ડર એમઓ ધાલીવાલ છે. તેમાં જ ગ્લોબલ ફાર્મર સ્ટ્રાઈક અને ગ્લોબલ ડે ઓફ એક્શન 26 જાન્યુઆરી નામથી ટૂલકિટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ મુદ્દો દેશના ખેડૂતો સાથે જોડાયેલો છે, તેઓ દિલ્હીના દરવાજા પર 83 દિવસથી આંદોલન કરી રહ્યા છે. 3 ફેબ્રુઆરીએ 18 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે બે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી હતી. પહેલી પોસ્ટમાં તેમણે ખેડૂતોને સમર્થન આપ્યું હતું, જ્યારે બીજી પોસ્ટમાં એક ટૂલકિટ શેર કરવામાં આવી હતી. આ ટૂલકિટ હકીકતમાં એક ગૂગલ ડોક્યુમેન્ટ હતી. તેમાં અર્જન્ટ, પ્રાયર ઓર ઓન ગ્રાઉન્ડ એક્શનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.