મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવ ગબડયા હતા જ્યારે ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજારના સમાતાર પણ મિશ્ર હવામાન બતાવી રહ્યા હતા. દરમિયાન, ક્રૂડતેલના ભાવ વિશ્વ બજારમાં વધુ વધી બેરલના ૬૭ ડોલરની સપાટી વટાવી ગયાના સમાચાર હતા.
દરમિયાન, ઘરઆંગણે આજે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલર, પાઉન્ડ તથા યુરોના ભાવ વધ્યા હતા. અને શેરબજારો ઉછળવા છતાં આજે કરન્સી બજારમાં રૂપિયો નબળો રહ્યો હતો. વિશ્વ બજારમાં સોનાના ભાવ ગબડી ઔંશના ૧૮૦૦ ડોલરની અંદર ઉતરી ગયાના સમાચાર હતા.
અમેરિકાના ટ્રેઝરી અને બોન્ડ પરનું વળતર વધીને એક વર્ષની ટોચે પહોંચતાં વિશ્વ બજારમાં સોનાના ભાવ ૧૮૦૭થી ૧૮૦૮ ડોલરવાળા ઘટી આજે સાંજે ૧૭૮૬થી ૧૭૮૭ ડોલર રહ્યાના સમાચાર હતા. જોકે વૈશ્વિક ચાંદીના ભાવ ૨૭.૭૯થી ૨૭.૮૦ ડોલરવાળા આજે વધી સાંજે ૨૭.૯૦થી ૨૭.૯૧ ડોલર રહ્યા હતા.
અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦ તૂટી ૯૯.૫૦ના રૂ.૪૮૦૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૪૮૨૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૫૦૦ વધી રૂ.૭૦૫૦૦ રહ્યા હતા.
મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ નવ પૈસા વધી રૂ.૭૨.૪૩ બંધ રહ્યા હતા. ડોલરના ભાવ આજે ઉંચામાં રૂ.૭૨.૫૨ તથા નીચામાં રૂ.૭૨.૩૧ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ગબડવા છતાં સા મે કોપરના ભાવ ઉછળી દસ વર્ષની ટોચે પહોંચતા તેના પગલે વૈશ્વિક ચાંદીના ભાવ આજે ઘટવાના બદલે વધી આવ્યાનું જાણકારોએ જણાવ્યું હતું.
વિશ્વ બજારમાં કોપરમાં શોર્ટ સપ્લાય તથા ચીનની લેવાલીના આશાવા વચ્ચે ભાવ આજે વધી ટનના હાજરમાં ૯૫૦૦ની ઉપર ૯૫૧૦થી ૯૫૧૫ ડોલર રહ્યા હતા. જ્યારે ૩ મહિનાની ડિલીવરીના ભાવ વધી ૯૪૦૦ ડોલરની ઉપર ૯૪૮૫થી ૯૪૯૦ ડોલર રહ્યાના સમાચાર હતા.
દરમિયાન વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૨૭૦થી ૧૨૭૧ ડોલરવાળા આજે સાંજે ૧૨૫૮થી ૧૨૫૯ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભવા ૨૩૭૮થી ૨૩૭૯ ડોલરવાળા આજે સાંજે ઉછળી ૨૪૪૧ થી ૨૪૪૨ ડોલર રહ્યાના સમાચાર હતા. મુંબઈ બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૪૬૬૫૦ વાળા રૂ.૪૬૨૬૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૪૬૮૩૮ વાળા રૂ.૪૬૪૪૬ બંધ રહ્યા હતા.