Gold
અમેરિકા-ચીન વચ્ચે ટેરિફ વોરના કારણે સોનાના ભાવ સળંગ ત્રીજા દિવસે સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા છે. અમદાવાદમાં સોનાનો ભાવ ગઈકાલે રેકોર્ડ રૂ. 85800 પ્રતિ 10 ગ્રામ નોંધાયા બાદ આજે 1500 રૂપિયા ઉછળી રૂ. 87300ના ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે. ચાંદીમાં પણ આકર્ષક તેજી જોવા મળી છે.
અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોરના કારણે કિંમતી ધાતુમાં તેજી આવી છે. ચીનમાં લુનાર યરનો હોલિડે પૂર્ણ થયો છે. આજે માર્કેટ ખૂલતાં જ સોનામાં આકર્ષક તેજી જોવા મળી છે. બીજી તરફ અમેરિકાએ ચીનની પ્રોડક્ટ્સ પર 10 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરતાં ચીને પણ જવાબી કાર્યવાહીના ભાગરૂપે અમેરિકા પર ટેરિફ લાદવાની સાથે ગુગલ વિરૂદ્ધ તપાસ હાથ ધરતાં વૈશ્વિક પડકારો વધ્યા છે. ડોલર ઈન્ડેક્સ પણ નબળો પડ્યો છે. જેથી રોકાણકારો સેફ હેવન તરફ ડાયવર્ટ થયા છે.
જ્યારે આજે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ચાંદી ગઈકાલે રૂ. 93500 પ્રતિ કિગ્રા થઈ હતી. જે આજે રૂ. 1500 ઉછળી રૂ. 94000 પ્રતિ કિગ્રાએ પહોંચી છે. અમદાવાદમાં અગાઉ ઓક્ટોબર માસમાં ચાંદી રેકોર્ડ એક લાખ પ્રતિ કિગ્રાનું ઓલટાઈમ હાઈ લેવલ વટાવી ગઈ હતી. દિલ્હીમાં આજે ચાંદી રુ. 1628 વધી 95421 રૂપિયા પ્રતિ કિલો થયો છે. ઉલ્લેખનીય છે, રાજ્યવાર સોના-ચાંદીના ભાવ અલગ-અલગ હોય છે.
એમસીએક્સ ખાતે સોનું રૂ. 842 ઉછળી રૂ. 84639 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી વાયદો રૂ. 130 ઉછળી રૂ. 95884 પ્રતિ કિગ્રા પર ટ્રેડ થઈ રહ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બનતાં જ ચીન અને અમેરિકા વચ્ચે ફરી ટ્રેડવોર શરૂ થયું છે. જેના પગલે વૈશ્વિક સ્તરે પણ સ્પોટ ગોલ્ડ 2853.97 ડોલર પ્રતિ ઔંસની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. ગોલ્ડ ફ્યુચર્સ પણ 2879.70 ડોલર પ્રતિ ઔંસ નોંધાયું હતું. અગાઉ ટ્રમ્પે વિશ્વની બે ટોચની ઈકોનોમી વચ્ચે સર્જાયેલા વેપાર તણાવો દૂર કરવાં ચીનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરવાની તૈયારી દર્શાવી હતી. પરંતું બાદમાં તેમણે નિવેદન આપ્યું કે, તેમને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરવાની કોઈ ઉતાવળ નથી.