સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજવાની જાહેરાત ચૂંટણી આયોગે કરી હતી. જે મુજબ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાતા શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું. જ્યારે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીએ અને મત ગણતરી બીજી માર્ચે યોજાશે, ત્યારે હવે રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો ગામડાઓમાં પ્રચાર કરશે.
ભાયલી અને ઉંડેરા બેઠક ઘટતાં હવે 34 બેઠકો પર ચૂંટણી યોજાશે
વડોદરાની આસપાસના 7 ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરાતા આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં નવા સીમાંકનનો અમલ કરવામાં આવ્યો છે. જે મુજબ વડોદરા જિલ્લા પંચાયતની ભાયલી અને ઉંડેરા બેઠક ઘટતાં હવે 34 બેઠકો પર ચૂંટણી યોજાશે. આ જ રીતે 7 ગામો બાદ થતાં વડોદરા તાલુકા પંચાયતની આઠ બેઠકો ઘટી છે, જેથી આગામી ચૂંટણીમાં 28 બેઠકો પર ચૂંટણી યોજાશે.
મતદાન પર કૃષિ બિલની અસર થશે
વડોદરા તાલુકા પંચાયતની જે આઠ બેઠકો રદ્દ થઇ છે, જેમાં ઉંડેરા-1, ઉંડેરા-2, કરોડિયા, ગંગાનગર, ભાયલી,સેવાસી, વેમાલી અને તરસાલી બેઠકોનો સમાવેશ થાય છે. તો બીજી તરફ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારના કૃષિ બિલને લઇને છેલ્લા બે મહિનાથી આંદોલન ચાલી રહ્યું છે. જેનો પડઘો વડોદરામાં હજી સુધી તો પડ્યો નથી. ખેડૂતોએ કૃષિ બિલને સ્વીકારી લીધું છે તેમ છતાં કેટલાક ખેડૂતો કૃષિ બિલને લઇને વિરોધ કરી રહ્યાં છે. આ ખેડૂતો ભાજપ સરકારની વિરૂદ્ધમાં મતદાન કરે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. એટલે કે, વડોદરા તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપ માટે કપરાં ચઢાણ હોઇ શકે છે.
ભાજપે ગ્રામીણ વિસ્તારોના ગ્રાઉન્ડ લેવલ પર જઈને પ્રચાર કર્યો
વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીનો વિકલ્પ પણ મળ્યો છે. ભાજપના શાસનમાં વિકાસ ઊડીને આંખે વળગે તેવો છે, પણ ગ્રામ્ય સ્તરે હજી જૈસે થેની સ્થિતિ છે. ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓની હાલ આજે પણ ખરાબ છે. જેની સીધી અસર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જોવા મળે તો નવાઈ નહીં, વડોદરા જિલ્લા અને તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટે ભાજપ માટે કપરાં ચઢાણ હોય તેવું સામે આવ્યું છે, જેથી આ વખતે ભાજપે ગ્રામીણ વિસ્તારોના ગ્રાઉન્ડ લેવલ પર જઈને પ્રચાર કર્યો છે.