પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન ટીએમસી સાંસદ દિનેશ ત્રિવેદીએ પાર્ટી માંથી રાજીનામું આપી દીધું છે. દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાશે તે નક્કી માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં તેણે તમામ રાજકીય મુદ્દાઓ સહિત ટીએમસી અને બીજેપી પર પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી મારા દોસ્ત છે. બીજેપીમાં સામેલ થવામાં કંઇ ખોટું નથી. જો હું બીજેપીમાં સામેલ થવા ઇચ્છુ તો કોઈ ના રોકી શકે.
દિનેશ ત્રિવેદીએ કહ્યું કે, 1990થી નરેન્દ્ર મોદી મારા મિત્ર છે. આ કારણે ક્યારેય પણ પાર્ટીના દરવાજા બંધ નથી થયા. તેમણે કહ્યું કે, અમિત શાહ પણ મારા મિત્ર છે. જો હું બીજેપીમાં જોડાઉ છું તો મને કોઈ ના રોકી શકે. બીજેપી સાથે જોડાવવું ખોટું નથી. ત્રિવેદીએ કહ્યું કે, બંને ફક્ત ભારત વિશે વિચારે છે, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ હું તેમને મળવા જતો હતો.
કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયોએ દિનેશ ત્રિવેદીના ભાજપમાં સામેલ થવાના પ્રશ્ન પર કહ્યું કે, ત્રિવેદી બેટ્સમેન નથી, પરંતુ ઑલરાઉન્ડર છે. હું તેમનું બીજેપીમાં સ્વાગત કરું છું. અમે સાથે મળીને કામ કરીશું. તેમના આ નિવેદન પહેલા બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયએ પણ દિનેશ ત્રિવેદીને ભાજપમાં સ્વાગત કરવાની વાત કહી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે ત્રિવેદી બહુ જલદી બીજેપીમાં સામેલ થઈ શકે છે.
દિનેશ ત્રિવેદીએ સંસંદમાં રાજીનામાની જાહેરાતને લઇને કહ્યું કે, રાજીનામા પહેલા મે મારા ગુરૂને પુછ્યું અને તેમણે કહ્યું કે, કરી દો અને મે રાજીનામું આપી દીધું. ત્રેવેદી આગળ કહે છે કે, હું મમતા બેનર્જીના સારા માટેની પ્રાર્થના કરું છું. મારે વ્યક્તિગત રીતે તેમની સાથે કોઈ મતભેદ નથી. તેમણે કહ્યું કે, મારી મમતા બેનર્જીને હાથ જોડીને વિનંતી છે કે તેઓ હિંસા ના કરે અને હિંસાની નિંદા કરે. મારા ઉપર ભાર હતો એ આજે હટી ગયો. ત્રિવેદીએ કહ્યું કે, મારું રાજીનામું પહેલાથી નક્કી નહોતુ.