અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ વખતે પાટીદાર પ્રભાવિત નવ વોર્ડમાં મતદાનમાં સરેરાશ 4 ટકાનો ઘટાડો નોંધાયો છે, જે બાબત ભાજપ માટે ચિંતાજનક બની છે. ગત 2015ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનને કારણે પાટીદાર પ્રભાવિત આ નવ વોર્ડમાં મતદાનના આંકમાં સરેરાશ પાંચ ટકાનો વધારો થયો હતો. આ કારણથી જ ગત ચૂંટણીમાં આ નવમાંથી 6 વોર્ડમાં ભાજપની પેનલ આવી હતી, જ્યારે બે વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના બે-બે ઉમેદવાર વિજેતા થયા હતા. એકમાત્ર ઈન્ડિયાકોલોની એવો વોર્ડ હતો જ્યાં ગત ચૂંટણીમાં કોંગ્રેસની પેનલ આવી હતી.
નરોડા, રાણીપ, ઘાટલોડિયા, વસ્ત્રાલ, ઠક્કરબાપાનગરમાં મતદાન નીરસ
પાટીદાર સમાજના વર્ચસ્વવાળા વિસ્તારોમાં આ વખતની મ્યુનિ. ચૂંટણીમાં સવારથી જ મતદારો વોટિંગથી અળગા રહ્યા હતા. ગત ચૂંટણીમાં પાટીદાર આંદોલનનું ફેક્ટર જબરદસ્ત નિર્ણાયક નિવડ્યું હતું. તમામ વિશ્લેષકોના આશ્ચર્ય વચ્ચે પાટીદાર આંદોલનને લીધે જ્યાં પણ ભાજપનો સફાયો થવાની આગાહી થઈ હતી તે વિસ્તારોમાં પાટીદારોએ જબરદસ્ત મતદાન કર્યું હતું. પરંતુ તેની તુલનામાં આ વખતે નરોડા, ઘાટલોડિયા, રાણીપ, વસ્ત્રાલ, ઠક્કરબાપાનગર, નિકોલમાં મોટા ગાબડાં પડ્યાં છે.
પાટીદારોનું વોટિંગ વધતા 9માંથી 6 બેઠક પર ભાજપની પેનલ આવી હતી
ગત 2015ની મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી દરમિયાન અમદાવાદમાં પણ પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ભભૂકતો રહ્યો હતો. આ કારણે પાટીદારોના વર્ચસ્વવાળા વિસ્તારોમાં જબ્બર વોટિંગ થવાને કારણે આ બધું મતદાન ભાજપની વિરુદ્ધ થયું હોવાનું મનાતું હતું. પરંતુ આશ્ચર્યજનક રીતે આ 9માંથી 6 વોર્ડ- રાણીપ, ઘાટલોડિયા, વસ્ત્રાલ, નિકોલ, ઠક્કરબાપાનગર અને નરોડામાં તો ભાજપની પેનલ આવી હતી. જ્યારે બાપુનગર અને વિરાટનગરમાં ભાજપ-કોંગ્રેસને ફાળે બે-બે બેઠક આવી હતી અને ઈન્ડિયાકોલોનીમાં કોંગ્રેસની પેનલ આવી હતી.
ઈન્ડિયાકોલોની-બાપુનગર સિવાયના 7 વોર્ડમાં મતદાન 2010થી પણ ઓછું
શહેરના પાટીદાર સમુદાયના વર્ચસ્વવાળા વિસ્તારોમાં આ વખતની ચૂંટણીમાં મતદાન પ્રત્યે લોકોમાં ભારે નિરસતા જોવા મળી હતી. તેનો દેખીતો પૂરાવો મતદાનની ઘટેલી ટકાવારી છે. આ વખતની ચૂંટણીમાં પાટીદારોના પ્રભાવ હેઠળના 9માંથી ઈન્ડિયા કોલોની અને બાપુનગર વિસ્તારમાં જ 2010ની ચૂંટણી કરતા વધુ મતદાન થયું છે. જ્યારે બાકીના તમામ 7 વોર્ડમાં આ વખતના મતદાનનો આંક 2010ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી કરતા પણ ઘટેલો જોવા મળ્યો છે.
ભાજપને મોંઘવારી-કાર્યકરોની વ્યાપક નારાજગી આ વખતે નડી શકે
સામાન્ય જનતામાં પણ સરકાર પ્રત્યે અત્યારે ભારે નારાજગી પ્રવર્તે છે જેનું મુખ્ય કારણ અસહ્ય બનેલી મોંઘવારી અને વધતી બેરોજગારી છે. એકતરફ પેટ્રોલ-ડીઝલના ભાવો ભડકે બળી રહ્યા છે ત્યારે બીજીતરફ રોજગાર-ધંધાને પણ માઠી અસર પડવાથી બેરોજગારી વધી છે. આ ઉપરાંત છેલ્લા એક દાયકામાં જે ઝડપથી ભાજપમાં આયાતી કોંગ્રેસીઓની બોલબાલા વધી છે તેને જોતાં મૂળ ભાજપી એવા વર્ષોથી મહેનત કરી રહેલા કાર્યકરોમાં પણ ભારે નિરાશા પ્રવર્તતી હતી.