ભારતમાં કોરોના વાયરસે ફરીથી માથુ ઉચક્યું છે. ભારતના કેટલાક રાજ્યોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને લોકોને કોરોના ગાઈડલાઈન્સનું કડકપણે પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. 91 જિલ્લામાં દર્દી મળવાની ગતિ વધી રહી છે, જેમાં 34 જિલ્લા મહારાષ્ટ્રના જ છે. આ ઉપરાંત કર્ણાટકના 16, હરિયાણા, પંજાબ, છત્તીસગઢ, ગુજરાત અને બિહારના 4-4, જ્યારે કેરળના બે જિલ્લા સામેલ છે. અહીં છેલ્લા અમુક દિવસોથી દરરોજ સંક્રમિતોની સંખ્યા સાજા થનારા દર્દીઓ કરતાં વધુ છે.
રવિવારે દેશમાં 13,979 નવા દર્દી નોંધાયા. 9,476 સાજા થયા, જ્યારે 79 લોકોનાં મોત થઈ ગયાં. 4,412 એક્ટિવ કેસ વધ્યા, જે 87 દિવસમાં સૌથી વધુ છે. આ પહેલાં 25 નવેમ્બરે 7,234 એક્ટિવ કેસ વધ્યા હતા. એક્ટિવ કેસ એટલે કે જે દર્દીઓની સારવાર ચાલી રહી છે.
કેન્દ્રએ તમામ રાજ્યોને પત્ર લખીને વેક્સિનેશનમાં તેજી લાવવા માટે કહ્યું છે. હાલ ઘણાં રાજ્યોમાં સપ્તાહમાં બે દિવસ જ વેક્સિનેશન થઈ રહ્યું છે. હાલ ફ્રન્ટલાઈન અને હેલ્થકેરવર્કર્સને જ વેક્સિન લગાવવામાં આવી રહી છે. માર્ચથી 50 વર્ષથી વધુ ઉંમરના તમામ અને 50થી ઓછી ઉંમરના એવા નાગરિકોને પણ વેક્સિન લગાવાશે જેમને અન્ય બીમારીઓ પણ છે. કેન્દ્રએ આના માટે પણ તૈયાર રહેવા માટે કહ્યું છે.
મહારાષ્ટ્રમાં કોરોના ઝડપથી વધતા કેસોએ રાજ્ય સરકારની ચિંતામાં વધારો કરી દીધો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરએ આજે એટલે કે સોમવારે રાજ્યમાં ભીડભાડવાળા તમામ રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે સ્થિતિ નહીં સંભાળાય તો રાજ્યમાં ફરી લોકડાઉન લાગી શકે છે.
વધતા કેસને કારણે ભારત એકવાર ફરી દુનિયાના એવા 15 દેશમાં સામેલ થઈ ગયો છે, જ્યાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ છે, એટલે કે એવા દર્દી જેમની સારવાર ચાલી રહી છે, બાકી કાં તો સાજા થઈ ચૂક્યા છે કે પછી તેમનાં મોત થઈ ચૂક્યાં છે. ભારત આ યાદીમાં 15મા નંબર પર આવી ગયો છે. 30 જાન્યુઆરીએ પોર્ટુગલ, ઈન્ડોનેશિયા અને આયર્લેન્ડને પાછળ છોડતા 17મા નંબર પર પહોંચી ગયો હતો.
- મહારાષ્ટ્ર
રાજ્યમાં રવિવારે 6,971 લોકો કોરોના સંક્રમિત થયા છે. 2,417 દર્દી સાજા થયા અને 35 લોકોના મોત થયા છે. અત્યારસુધીમાં 21 લાખ 884 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 19 લાખ 94 હજાર 997 લોકો સાજા થઈ ચૂક્યા છે. 51 હજાર 788એ આ મહામારીથી જીવ ગુમાવ્યો છે. 52 હજાર 956 દર્દીની સારવાર હાલ ચાલી રહી છે. - કેરળ
રાજ્યમાં રવિવારે 4,070 નવા સંક્રમિતોની ઓળખ થઈ છે. 4,345 દર્દી સાજા થયા અને 15 સંક્રમિતોનાં મોત થયાં છે. અહીં અત્યારસુધીમાં 10 લાખ 34 હજાર 658 લોકો સંક્રમિત થયાં છે, જેમાંથી 9 લાખ 71 હજાર 975 દર્દી સાજા થઈ ચૂક્યા છે. 4,090 લોકોનાં મોત થયાં છે, જ્યારે 58,316ની સારવાર ચાલી રહી છે. - મધ્યપ્રદેશ
અહીં રવિવારે 299 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 238 દર્દી સાજા થયા અને ચાર લોકોનાં મોત થયા છે. અત્યારસુધીમાં 2 લાખ 59 હજાર 427 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 2 લાખ 53 હજાર 522 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3,854 દર્દીનાં મોત થયાં છે. 2,051 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. - ગુજરાત
અહીં રવિવારે 283 લોકો કોરોના સંક્રમિત થયા છે. 264 લોકો સાજા થયા અને એકનું મોત થયું છે. અત્યારસુધીમાં 2 લાખ 67 હજાર 104 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાં 2 લાખ 61 હજાર 9 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4405 દર્દીનાં મોત થઈ ચૂક્યાં છે. 1,690 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે. - રાજસ્થાન
રાજ્યમાં રવિવારે 82 લોકો કોરોના સંક્રમિત થયા છે. 137 લોકો સાજા થયા. અત્યારસુધીમાં 3 લાક 19 હજાર 543 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 3 લાખ 15 હજાર 513 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,785 દર્દીનાં મોત થયાં છે. 1,245 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે. - દિલ્હી
અહીં રવિવારે 145 નવા દર્દી નોંધાયા છે અને 97 સાજા થયા છે. બે લોકોનાં મોત પણ થયાં છે. અહીં અત્યારસુધીમાં 6 લાખ 37 હજાર 900 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 6 લાખ 25 હજાર 929 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10 હજાર 900 દર્દીનાં મોત થઈ ચૂક્યાં છે. 1071ની સારવાર ચાલી રહી છે.