કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાઅર્જુન ખડગેએ ગુરુવારે વડાપ્રધાન મોદી સામે નિશાન તાકતાં કહ્યું કે મણિપુર હિંસા મુદ્દે સંસદમાં બોલવા મુદ્દે પીએમ મોદી કેમ ખચકાય છે? આ તો લોકતંત્રનું મંદિર છે. તેમની પાસે દેશભરમાં રાજકીય ભાષણો આપવા માટે પૂરતો સમય છે પણ સંસદમાં બોલવાનો નથી. આ લોકતંત્રને બગાડી રહ્યું છે. ખડગેએ પીએમ મોદી સામે પ્રહાર કરવાનું ચાલુ રાખતાં કહ્યું કે મણિપુરના લોકોનો અવાજ સરકારને સંભળાઈ રહ્યો નથી, આ એક માનવતા પર કલંક સમાન બાબત છે. ખડગેએ ટિ્વટ કરતાં કહ્યું કે મણિપુરનું સળગવું એ દેશ માટે એક કાળો અધ્યાય છે. જે સરકારે ગત ૮૫ દિવસોથી મણિપુરના લોકોની પીડા પર ધ્યાન નથી આપ્યું તે માનવતા પર કલંક જ છે.
કોંગ્રેસ અધ્યક્ષે પીએમ મોદીને ઘેરતાં કહ્યું કે સંસદમાં સત્ર ચાલી રહ્યું છે અને વડાપ્રધાન ગૃહમાં બોલવાની જગ્યાએ વિવિધ જગ્યાઓ પર જઈને ભાષણો આપી રહ્યા છે. આ લોકતંત્રને કલંકિત કરે છે. તેમણે કહ્યું કે વિપક્ષને ગાળો આપી, મોદી સરકારના કુકર્મોને મિટાવી નહીં શકાય. ફક્ત દલિતો, જનજાતિ અને પછાતવિરોધી લોકો જ કાળા કપડાની મજાક ઉડાવે છે પણ અમારો કાળો રંગ વિરોધ અને શક્તિનો પ્રતીક છે.