પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને લઈને ઈલેક્ટ્રોનિક સ્કૂટીની સવારી કરી આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રેલી કાઢવા નિકળ્યા હતા. આ દરમિયાન એક મોટી દુર્ઘટના થતાં બચી ગઈ હતી. હાવડામાં એક રેલી થઈ રહી હતી. જ્યાં મમતા બેનર્જી સ્કૂટી લઈને પહોંચ્યા હતા. જેવું તેમણે સ્કૂટી ચલાવવાનો પ્રયાસ કર્યો કે, સ્કૂટી પડતા પડતા રહી ગઈ હતી અને મુખ્યમંત્રી માંડ માંડ બચ્યા હતા.
તેમની બાજૂમાં ઉભેલા સુરક્ષાકર્મીઓએ અને નેતાઓએ તેમને સંભાળી લીધા હતા તથા તેમને પડતા બચાવી લીધા હતા. આ દરમિયાન તેમનો ફોન પણ રસ્તા પર પડી ગયો હતો. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો આપ અહીં જોઈ શકો છો.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પેટ્રોલ-ડીઝલની પ્રાઈઝને લઈને સતત મોદી સરકારો પર આકરા પ્રહારો કરતા રહે છે. ગુરૂવારે તેમણે આ જ ક્રમમાં ઈલેક્ટ્રોનિક્સ સ્કૂટરથી સચિવાલય સુધીની સફર કરી હતી. તેમની આ રેલીમાં મેયર ફરહાદ હકીમ પણ શામેલ થયા હતા. મમતા તેમની સાથે પાછળ બેઠા હતા. આ દરમિયાન બંનેએ હેલ્મેટ પહેર્યા હતા અને મમતા બેનર્જી કેન્દ્ર વિરુ્દ્ધ બેનરો પણ લહેરાવ્યા હતા.
મમતા બેનર્જીની સ્કૂટર રેલી દરમિયાન સાથે લઈને આવેલા બૈનરમાં લખ્યુ હતું કે, તમારા હોઠે શું છે, પેટ્રોલના વધતા ભાવ, ડીઝલના વધતા ભાવ અને એલપીજી ગેસની કિંમતમાં વધારો. મમતાની આ રેલીમાં સચિવાલયના કેટલાય કર્મચારીઓ અને અધિકારીઓ પણ ઈ સ્કૂટી લઈને પહોંચ્યા હતા.
આપને જણાવી દઈએ કે, મમતા બેનર્જી આ અગાઉ પણ કેટલીય વાર સ્કૂટર પર સવાર થઈને સચિવાલય આવ્યા હતા. તેઓ સ્કૂટર પર જ સવાર થઈને લોકોને અલગ અલગ જગ્યાએ મળવા પહોંચી જતાં હોય છે. 2007માં નંદીગ્રામમાં લેફ્ટ સમર્થકો દ્વારા પોતાના કાર્યકર્તાઓની વિરુદ્ધ થયેલી હિંસા બાદ તેઓ બાઈકથી પીડિત લોકોને મળવા પહોંચ્યા હતા.