ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડને લઈને વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. પ્રિયંકા ગાંધી વાડ્રા, શશી થરૂર, કપિલ સિબ્બલ સહિતના ઘણા કોંગ્રેસ નેતાઓએ તેની નિંદા કરી છે. ડીએમકે નેતા કનિમોઈ, આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ તેને ‘લોકશાહી પર હુમલો’ ગણાવ્યો હતો.
ખેડૂત આંદોલનની વચ્ચે આ બીજી વખત છે કે જ્યારે વિરોધી પક્ષોએ સર્વાનુમતે કેન્દ્ર સરકારનો વિરોધ શરૂ કર્યો હોય. વિપક્ષી નેતાઓએ દિશા રવિની ઓછી ઉમર વિશે પણ દલીલ કરી હતી, જે અંગે બેંગ્લોરના ભાજપના સાંસદે કેટલાક આતંકવાદીઓના નામ આપ્યા હતા અને કહ્યું હતું કે તેમની ઉંમર લગભગ દિશા જેટલી જ હતી. દિશા રવિની ધરપકડનો અનેક બિન-સરકારી સંગઠનો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે.
દિશા રવિએ બેંગ્લોરની એક ખાનગી કોલેજમાંથી બીબીએની ડિગ્રી મેળવી છે. તે ‘ફ્રાઈડેઝ ફોર ફ્યુચર ઈન્ડિયા’ નામના ક્લાયમેટ એક્ટિવિસ્ટ ગ્રુપની સ્થાપક સભ્ય છે.
‘ફ્રાઈડેઝ ફોર ધ ફ્યુચર’ એક વૈશ્વિક સંસ્થા છે જેની શરૂઆત 2018માં સ્વીડિશ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ દ્વારા કરવામાં આવી હતી. દિશા રવિએ આબોહવા પરિવર્તનને લઈને દેશભરમાં અનેક અભિયાનો ચલાવ્યા છે. તે બેંગાલુરુમાં પર્યાવરણના મુદ્દા પર અનેક પ્રદર્શનમાં સામેલ રહી છે. દિશા રવિ આબોહવા પરિવર્તનની અસર વિશે વિશ્વભરના મીડિયામાં લખી રહી છે.
હવે અલગ અલગ નેતાઓએ અલગ અલગ નિવેદનો આપ્યા છે અને વિરોધ નોંધાવ્યો છે. સૌથી પહેલાં વાત કરીએ ચિદમ્બરની તો તેમણે કહ્યું હતું કે ભારત નકામી ચીજોનો મંચ બનતો જઈ રહ્યો છે. એ ખૂબ જ દુઃખની વાત છે કે દિલ્હી પોલીસ તાનાશાહોના હાથની કઠપૂતળી બની ગઈ છે. એ જ રીતે પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ સોશિયલ મીડિયા પર પોતાનો વિરોધ નોંધાવતા લખ્યું કે, બંદૂક વાળા લોકો હથિયાર વગરની છોકરીથી ડરે છે, હથિયાર વગરની છોકરીથી હિંમતનું અજવાળું ફેલાયું છે.
આ સાથે જ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસનેતા જયરામ રમેશે દિશાની ધરપકડ અંગે કહ્યું, આ ખરાબ હરકત છે. આ ધમકાવવાનું કામ છે. પોતાની કટાક્ષ અને અંગ્રેજી માટે જાણીતા કોંગ્રેસના નેતા શશિ થરુરે કહ્યું, ભારતમાં ખેડૂત આંદોલનને દબાવવા માટે જે રીતે રાજકીય વિરોધ અને વૈચારિક આઝાદી પર હુમલાઓ થઈ રહ્યા છે, દિશા રવિની ધરપકડ એમાં નવું પગલું છે. શું ભારત સરકારને વિશ્વમાં પોતાની છબી ખરાબ થશે એની બિલકુલ પરવાહ નથી.