રાજકોટ અને ચોટીલા તાલુકાની બોર્ડર પર હિરાસર ગામ નજીક નિમર્ણિ પામી રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ગ્રીનફિલ્ડ એરપોર્ટમાં ટર્મિનલ અને બિલ્ડિંગ સહિતના નિમર્ણિની કામગીરી મધ્યપ્રદેશની દિલીપ બિલ્ડકોમને સોંપવામાં આવી છે. નવા આંતરરાષ્ટ્રીયસ્તરના એરપોર્ટની ડિઝાઈનને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીયકક્ષાના એરપોર્ટની સુવિધા રાજકોટને ખુબ મોડી મળશે પરંતુ જ્યારે આ એરપોર્ટ કાર્યરત થઈ જશે ત્યારે તે સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના ટોચના એરપોર્ટને ટકકર મારે તેવું બની રહેશે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ એરપોર્ટના સ્થળે રન-વે બાંધવાની કામગીરી મહત્વની હોય છે અને તેનું 60 ટકા જેટલું કામ પુરું થઈ ગયું છે. બે વર્ષમાં આ પ્રોજેકટ પુરો કરવાનો થાય છે. લોકડાઉનના સમયમાં જ્યારે અન્ય પ્રોજેકટ બંધ પડયા હતા ત્યારે રાજકોટ જિલ્લા કલેકટરે ખાસ કિસ્સામાં વ્યવસ્થા કરીને એરપોર્ટનો પ્રોજેકટ વિલંબમાં ન પડે તે માટે મજૂરોને રહેવા-જમવા સહિતની વ્યવસ્થા કરી આપી હતી અને તેના કારણે કોરોનાના કપરા કાળમાં મોટાભાગની બાંધકામ પ્રવૃત્તિ સ્થગિત હતી ત્યારે પણ રાજકોટના એરપોર્ટનો પ્રોજેકટ ધમધમતો રહ્યો હતો.
2022માં પ્રારંભમાં રાજકોટનું આ એરપોર્ટ તૈયાર થઈ જશે. થોડા સમય પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એઈમ્સના પ્રોજેકટનું ભૂમિપૂજન કરાયા બાદ હવે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી જ્યારે 2024માં યોજાશે તે પહેલાં આંતરરાષ્ટ્રીયસ્તરના રાજકોટના એરપોર્ટનું લોકાર્પણ થઈ જશે.
એરપોર્ટ ઓથોરિટીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ હાલ દરરોજ 700થી 800 મુસાફરો દેશના અન્ય ભાગોમાં જવા માટે ડોમેસ્ટિક ફલાઈટનો ઉપયોગ કરવા અમદાવાદ જતા હોય છે અને આવી જ રીતે ઈન્ટરનેશનલ ફલાઈટમાં જવા માટે અમદાવાદ સિવાય કોઈ આરોવારો રહેતો નથી. મુસાફરોનો આ તમામ ટ્રાફિક રાજકોટના એરપોર્ટ પર વળશે અને આંતરરાષ્ટ્રીયસ્તરના એરપોર્ટની સુવિધા મળ્યા બાદ આ ટ્રાફિકમાં વધારો થશે.