ચીને એક સમયે દેશમાં સૌથી ધનિક વ્યક્તિ રહેલા એન્ટ ગ્રૂપના આઇપીઓ પર ગત વર્ષે રોક લગાવી દીધી હતી. ત્યારે અટકળો થતી હતી કે જેક માએ ચીન સરકારની આર્થિક અને બેન્કિંગ નીતિઓની ટીકા કરી હોવાથી સરકારે એન્ટનો 2.51 લાખ કરોડ રૂ.નો આઇપીઓ અટકાવી દીધો.
વૉલ સ્ટ્રીટ જર્નલે બુધવારે ખુલાસો કર્યો છે કે એન્ટ ગ્રૂપના માલિકીના જટિલ માળખાથી ચીન સરકાર બહુ ચિંતિત હતી. આ આઇપીઓથી જે લોકોને ફાયદો થવાનો હતો તેમને લઇને પણ સરકારના મનમાં શંકા હતી. આ કંપનીમાં એવા ઘણાં લોકોનું રોકાણ છે કે જેઓ ચીનની સત્તાની નજીક છે. તેમાંથી ઘણાં લોકોને રાજકીય પરિવારો સાથે સંબંધ છે, જે રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેમની નિકટના લોકો માટે પડકાર ઊભો કરી શકે છે.
રિપોર્ટ મુજબ એન્ટ સમૂહમાં એવા અનેક રાજનેતાઓ, અધિકારીઓની હિસ્સેદારી હતી જે ક્યાંકને ક્યાંક સરકારને પ્રભાવિત કરી રહ્યા હતા. શી જિનપિંગ એટલા માટે પણ ચિંતિત હતા કે એન્ટ ગ્રૂપ દેશના નાણાકીય તંત્ર માટે જોખમ ઊભું કરી રહ્યું હતું. ડઝનેકથી વધુ સરકારી અધિકારી અને સલાહકારોના હવાલાથી વૉલ સ્ટ્રીટ જરનલે જણાવ્યું કે આઈપીઓ ખૂલતાં પહેલા સરકારે કંપનીની તપાસ કરાવી હતી. તેની સાથે સંકળાયેલા લોકો રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેમના આંતરિક ઘેરા માટે પડકાર ઊભા કરી શકતા હતા. કંપની લિસ્ટેડ થતાં જ જેક મા અને કંપનીના ટોપ મેનેજર્સના ખિસ્સામાં અબજો ડૉલર જવાના હતા. ખરેખર પોતાના 8 વર્ષના શાસનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેમના અનેક શત્રુઓને સરકારથી બહારનો રસ્તો બતાવી ચૂક્યા હતા. હવે સરકાર પર તેમના નિયંત્રણની તુલના માઓ સાથે થવા લાગી છે. એન્ટ સમૂહના આઈપીઓની યોજના એક રીતે મિલકત ભેગી કરવાની હતી જેના પર જિનપિંગ અસંમત હતા.