ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ બંગાળની મુલાકાતે છે. પહેલા દિવસે ગુરુવારે તેમણે કોલકાતામાં ભારત સેવાશ્રમ સંઘમાં પૂજા કરીને પોતાના કાર્યક્રમની શરૂઆત કરી. ત્યાર પછી તેઓ ગંગાસાગરના પહોંચ્યા છે. આ સાથે જ કાકદ્વીપમાં BJPની 5મી પરિવર્તન રેલીને લીલી ઝંડી દેખાડશે.
પશ્વિમ બંગાળમાં બે દિવસની મુલાકાતે ગયેલા ગૃહમંત્રી શાહ આજે ગંગાસાગર આવી ગયા છે. તેમણે આરોપ લગાવ્યો કે, ગંગોત્રીથી ગંગાસાગર સુધી નમામી ગંગે કાર્યક્રમ ચાલ્યો, પણ તે બંગાળ આવીને અટકી ગઈ. તેમણે કહ્યું કે, ભાજપની સરકાર બનશે તો નમામી ગંગે કાર્યક્રમ અહીંયા પણ ચાલશે. અહીંયાની સ્થિતિ જોઈને દુઃખ થાય છે.
તેમણે વધુમાં કહ્યું કે, મારા માટે સૌભાગ્યની વાત છે કે હું ગંગાસાગર તીર્થ પર છું. કપિલ મુનીનું આ મંદીર સદીઓથી સંરક્ષણનું પ્રતીક બની ગયું છે.
અમિત શાહની 7 દિવસની અંદર આ બીજી વખત બંગાળની મુલાકાત છે. આ પહેલાં તેમણે 11 ફેબ્રુઆરીએ ઠાકુરનગરમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે અમે નાગરિકતા સંશોધન કાયદો લઈને આવ્યા, પણ વચ્ચે કોરોના આવી ગયો. મમતા દીદી કહેવા લાગ્યાં કે આ ખોટો વાયદો છે. તેમણે કહ્યું, અમે જે કહીએ છીએ એ કરીએ છીએ, જેમ કે આ વેક્સિનેશન પૂરું થશે, જેમ કે કોરોનાથી મુક્તિ મળે છે, આપ સૌને નાગરિકતા આપવાનું કામ ભાજપ સરકાર કરશે.
તાજેતરમાં જ રાજ્યસભાના સભ્યપદ પરથી રાજીનામું આપનાર દિનેશ ત્રિવેદી અમિત શાહની હાજરીમાં BJP જોઈન કરી શકે છે. ત્રિવેદીએ બજેટસત્ર દરમિયાન પોતાના રાજીનામાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેઓ છેલ્લા 2 મહિનાથી પાર્ટીથી અંતર રાખીને ચાલી રહ્યા હતા. ત્રિવેદી એક સમયે મમતા બેનર્જીના ઘણા અંગત માણસ રહી ચૂક્યા છે. ત્રિવેદીએ ગૃહની કાર્યવાહી દરમિયાન કહ્યું હતું કે મારા બંગાળમાં હિંસા વધતી જઈ રહી છે અને હું કંઈ કરી શકતો નથી. જો હું કંઈ નથી કરી શકતો તો મારે રાજીનામું આપી દેવું જોઈએ. ત્યાર પછી સાંજે તેમણે રાજીનામું રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુને સોંપી દીધું હતું.
પશ્ચિમ બંગાળમાં જીતવા માટે BJPએ પૂરી શક્તિ લગાવી દીધી છે. અમિત શાહ પછી 22 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હુગલીમાં એક રેલીને સંબોધિત કરશે. વડાપ્રધાન આ દરમિયાન મેટ્રો પ્રોજેક્ટના કાર્યક્રમને પણ સંબોધિત કરશે.