ભારતમાં કોરોનાના કેસોમાં વધારાને પગલે મહારાષ્ટ્રમાં લોકડાઉન લાદવાની ચેતવણી ઉચ્ચારાતા શેરબજારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. આક્રમણકારી વેચવાલીના દબાણથી સેન્સેકસ એક હજાર પોઈન્ટથી વધુ ધસી પડયો હતો અને 50000ની નીચે સરકી ગયો હતો. ગત ફેબ્રુઆરી-માર્ચની સ્થિતિનું પુનરાવર્તન થવાના ભણકારા વાગવા માંડયા હતા.
ભારતમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર-કેરળમાં કોરોનાએ નવેસરથી માથુ ઉંચકયુ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પરિસ્થિતિને ગંભીર બનતી રોકવા માટે લોકડાઉન લાદવાની ગર્ભીત ચેતવણી આપી છે. અમરાવતીમાં લોકડાઉન ઉપરાંત પુના-અકોલા સહિતના શહેરોમાં નાઈટ કરફયુ શૈક્ષણિક સંસ્થાઓ બંધ જેવા પગલા લેવાયા છે. સપ્તાહમાં સ્થિતિ કાબુમાં ન આવે તો લોકડાઉન લાદવા ચેતવણી આપવામાં આવી છે. આર્થિક પાટનગર લોકડાઉન હેઠળ આવે તો દેશભરમાં આર્થિક ગતિવિધિઓને મોટો ફટકો પડવાની ભીતિ વ્યક્ત થવા લાગી હતી અને તેના ગભરાટ હેઠળ માર્કેટ મંદીમાં ધસી પડયું હતું.
શેરબ્રોકરોના કહેવા પ્રમાણે સેન્ટીમેન્ટ વધુ એક વખત સાવચેતીનું બની ગયું છે. આવતા દિવસોમાં કોરોના પરિસ્થિતિમાં કેવો વળાંક આવે છે તેના પર હવે મીટ રહેશે. મહારાષ્ટ્ર જેવા રાજયોમાં હાલત કબુમાં ન આવે તો ગભરાટ વકરવાની આશંકાનો ઈન્કાર થતો નથી.
શેરબજારમાં આજે બેંક, ઓટોમોબાઈલ્સ, ફાર્મા, ક્ધઝયુમર ડયુરેબલ્સ સહિત લગભગ તમામ ક્ષેત્રોના શેરોમાં ગાબડા પડયા હતા. લાર્સન, મહીન્દ્ર, મારૂતી, નેસલે, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, સનફાર્મા, ટીસીએસ, ટેક મહીન્દ્ર, એશિયન પેઈન્ટસ, એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, બજાજ ફીન સર્વિસ, ડો. રેડ્ડી, એચસીએલ ટેક, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, ઈન્ફોસીસ, પીએનબી, આઈડીએફસી ફર્સ્ટ બેંક, બીઓબી, સેન્ટ્રલ બેંક વગેરે ગગડયા હતા. હિન્દાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, ટીસ્કો, ઓએનજીસી, એચડીએફસી બેંક વગેરે મજબૂત હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 1008 પોઈન્ટના કડાકાથી 49880 હતો. ઉંચામાં 50986 તથા નીચામાં 49811 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 266 પોઈન્ટ ગગડીને 14715 હતો જે ઉંચામાં 15010 તથા નીચામાં 14693 હ્તો.