પતિ પત્ની વચ્ચેના અણબનાવ સુધારવા માટે મહિલાને કહેવાતા ભુવાનો સહારો લેવો ભારે પડ્યો છે. શહેરના વાડજ વિસ્તારમાં વિધિ કરવાના બહાને મહિલા પર કહેવાતા ભુવાએ દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.
અંધશ્રદ્ધાનો સહારો કેટલો ભારે પડી શકે તેનો અનુભવ વાડજની એક મહિલાને થયો છે. પતિ સાથે પિયરમાં જવા બાબતે કેટલાય સમયથી ઝઘડો ચાલતો હતો. ઝગડાથી કંટાળીને સબ સલામત થાય તે માટે મહિલાએ કૌટુંબિક બહેનનો સહારો લીધો અને આ બહેને ધાર્મિક વિધી માટે આનંદ વાઘેલા નામના ભુવા પાસે જવાની સલાહ આપી હતી. બહેન ની સલાહ માનીને મહિલાએ ભુવા પાસે ગયી હતી. મહિલાની એકલતાનો લાભ લેવા ભુવાએ વિધિ કરવાનું તરકટ રચી અનેકવાર મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ભુવાના નામે ધતિંગ કરતો આનંદ વાઘેલા અવાર નવાર મહિલાને વિધિના નામે પીછો કરીને, તો ક્યારેક ફોન પર મેસેજ કરીને પરેશાન કરતો હતો. વાત નહીં કરે તો પરિવારને મારી નાખવાની ધમકી આપી મહિલા સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા અને અંગત પળના ફોટો પાડીને વાયરલ કરવાની ધમકી આપી વારંવાર સબંધ બાંધતો હતો. વારંવારના માનસિક ત્રાસથી કંટાળીને મહિલાએ દવા ગળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી હવે આ આરોપીને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.