ગુજરાતના ચારેય મહાનગર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની નીચલી અદાલતોમાં સોમવારથી પ્રત્યક્ષ સુનાવણીની શરૂઆત થશે. કોરોનાનું સંક્રમણ વધતા 26-3-2020ના રોજ કોર્ટોમાં પ્રત્યક્ષ બંધ કરી વીડિયો કોન્ફરન્સથી અરજન્ટ કેસોની સુનાવણી શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ ગુજરાત હાઇકોર્ટમાં પણ આગામી દિવસોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ થાય તેવી શક્યતા છે.
પહેલી માર્ચના રોજ નીચલી અદાલતો શરૂ થવાની હોવાથી ગત બે દિવસમાં કોર્ટ સંકુલોને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરી સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા. કોર્ટના વહીવટી વિભાગ તરફથી વકીલોને સૂચના અપાઇ છે કે જેલમાં રહેલા આરોપીઓને કેસની મુદતમાં કોર્ટ સમક્ષ હાજર ન કરવામાં આવે. જરૂર જણાય તો જ કેદીઓને જેલથી કોર્ટમાં લઇ આવવા.
આ ઉપરાંત વકીલોને સૂચના અપાઇ છે કે કોર્ટ સંકુલમાં બિનજરૂરી ભીડ ભેગી ન કરવી કે ટોળામાં ઉભું ન રહેવું. કોર્ટના તમામ એન્ટ્રીપોઇન્ટ પર થર્મલ ગનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી અહીં પ્રવેશતા લોકોનું તાપમાન માપી શકાય. આ ઉપરાંત કોર્ટ કેન્ટીનોમાં મળતા ગરમ નાસ્તા અને અન્ય ખાદ્યપદાર્થોની જગ્યાએ હવે ચા, કોફી, પાણી અને પેકેજ્ડ ફૂડ જ રાખવામાં આવશે