જામનગરમાં ગુલાબ નગર પોલીસ ચોકી નજીક રહેતા એક મુસ્લિમ દંપતિ પર તેના જ પાડોશી ભાઈઓએ થૂંકવા જેવી સામાન્ય બાબતમાં તકરાર કરી જૂનું મનદુઃખ રાખીને છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરી દીધો હતો, જેમાં પતિનું મૃત્યુ નીપજતાં આ નાની મારામારીની ઘટના, હત્યાકેસમાં પલટાઈ છે. હાલ પત્ની સારવાર હેઠળ છે. પોલીસે પાડોશી ભાઈઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં રહેતા યુસુફભાઈ સાંઘાણી અને તેના પત્ની કૌશર બેન ઉપર ગઈ રાતે થુકવા જેવી સામાન્ય બાબતમાં પાડોશમાં રહેતા ઈર્શાદ મોહમદ ભાઈ મગીડા અને તેના ભાઈ ફૈઝલ ઉર્ફે બોદુ મોહમ્મદભાઈ મગીડાએ લોખડના પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો.
આ ઘટનામાં પતિને ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજ્યું છે, અને બનાવ હત્યામાં પલટાયો છે. ત્યારે પત્ની કૌસર બેનને પણ પેટના ભાગે તથા શરીરના અન્ય ભાગે છરી અને લોખંડના પાઇપ વડે ઈજા થઈ હોવાથી તેની જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.હત્યાના બનાવમાં મૃત્યુ પામનારને ગત દિવાળીના સમયગાળા દરમિયાન ઘરની બહાર પિચકારી મારી હતી, જે પિચકારી મારવાના પ્રશ્ન બંને પરિવારો વચ્ચે તકરાર થયા પછી જે તે વખતે ઘરમેળે સમાધાન કરી લીધું હતું.
પરંતુ ગઈકાલે ફરીથી થુકવાનો બનાવ બનતા પાડોશી આરોપી ભાઈઓ છરી પાઇપ સાથે ધસી આવ્યા હતા, અને પાડોશી દંપત્તિ પર હુમલો કરી દીધો હતો. જેમાં છરીનો ઘા જીવલેણ સાબિત થયો હતો, અને યુસુફભાઈએ દમ તોડ્યો હોવાથી બનાવ હત્યામાં પલટાયો હતો.
આ બનાવ અંગે સીટી બી. ડિવિઝન ના પી.આઇ. એચ.પી. ઝાલા એ ગુલામ હુસેન હારુનભાઈ સાંઘાણીની ફરિયાદના આધારે પાડોશી દંપત્તિ પર હુમલો કરી હત્યા કરવા અંગેની કલમ ૩૦૨, ૩૨૬, ૫૦૪, ૧૧૪ તેમજ જી. પી. એકટ કલમ ૧૩૫-૧ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલમાં બંને આરોપી ભાઈઓ ભાગી છૂટયા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.