ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (જીએસટી) લાગુ થયાના ૬ વર્ષમાં સરકારે અત્યાર સુધીમાં ૫,૦૭૦ જેટલાં છેતરપિંડીના કેસ પકડી પાડ્યા હતા જેમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) ક્લેમ કરવા માટે લોકોએ પાનકાર્ડ (પાન) અને આધારકાર્ડ (આધાર)ની વિગતોનો દુરુપયોગ કર્યો હોવાનો ખુલાસો થયો છે. આ ૫,૦૦૦ કેસમાં ૨૭,૪૨૬ કરોડ રૂપિયાની જીએસટી ચોરીનો ભાંડાફોડ થયો છે.
જાેકે મહત્ત્વનું તો એ છે કે છેલ્લા ૬ વર્ષોમાં રિકવરીનો આંકડો તો માત્ર ૯૨૨ કરોડ રુપિયાનો જ છે. આ આંકડા ૧ જુલાઈ ૨૦૧૭ (જીએસટીવ્યવસ્થાની શરૂઆત) અને ૩૦ જૂન, ૨૦૨૩ વચ્ચેના છે. રાજ્યની તુલના કરીએ તો મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુ જીએસટી રજિસ્ટ્રેશન (જીએસટીરજિસ્ટ્રેશન)ના દુરુપયોગના કેસમાં ટોચના ત્રણ રાજ્યોમાં સામેલ છે.
અહીં ક્રમશઃ જીએસટી ચોરીના ૭૬૫, ૭૧૩ અને ૬૩૨ કેસ સામે આવ્યા છે.
મહારાષ્ટ્રમાં ૩,૮૮૯ કરોડ રૂપિયાની જીએસટી ચોરી પકડાઈ હતી. જાેકે તેમાંથી ફક્ત ૧૭૧ કરોડ રૂપિયાની વસૂલી થઇ શકી છે. દિલ્હીમાં ૪,૩૨૬ કરોડ રૂપિયાની જીએસટી ચોરી પકડાઈ હતી. જાેકે વસૂલી ફક્ત ૧૫૯ કરોડ રૂપિયાની થઈ શકી હતી. તમિલનાડુમાં ૧,૮૭૭ કરોડ રૂપિયાની જીએસટી ચોરી પકડાઈ હતી અને વસૂલી ફક્ત ૪૪ કરોડ રૂપિયા થઇ શકી હતી. રસપ્રદ વાત તો એ છે કે ૧૬ મે ૨૦૨૩ થી ૯ જુલાઈ ૨૦૨૩ વચ્ચે સરકારે આશ્ચર્યજનક રીતે ૯,૩૬૯ ફેક કંપનીઓ/સંસ્થાનો પકડી પાડી હતી. સાથે જ ૧૦,૯૦૨ કરોડ રૂપિયાની જીએસટી ચોરીનો પણ ખુલાસો કર્યો હતો. જાેકે આ ફેક સંસ્થાનો પાસેથી ફક્ત ૪૫ કરોડ રૂપિયાની જ વસૂલી થઇ શકી હતી.