રાજ્યના એન્ટિ કરપ્શન બ્યુરોએ છેલ્લાં બે વર્ષમાં લાંચ-રુશ્વતના કુલ 454 ગુના દાખલ કર્યા છે. બીજી રીતે જોઇએ તો દર બે દિવસે લાંચ લેવાનો એક કેસ રાજ્યમાં નોંધાય છે. વિધાનસભામાં સરકારે આ માહિતી રજૂ કરી છે. એસીબીએ વર્ષ 2019માં લાંચના 255 અને વર્ષ 2020માં 199 ગુના દાખલ કર્યા હતા. બે વર્ષમાં વર્ગ-1ના 23, વર્ગ-2ના 99, વર્ગ-3ના 357 અને વર્ગ-4ના 9 કર્મચારીઓ સામે ગુના દાખલ કરાયા હતા. બે વર્ષમાં સરકારની અધિકારી-કર્મચારીઓ ઉપરાંત 264 ખાનગી માણસો સામે એસીબીએ લાંચના ગુના દાખલ કર્યા છે.
48 દિવસથી ફરાર નિવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઈએ આગોતરા જામીન અરજી કરી
એસીબીના કેસમાં 46 દિવસથી ફરાર ગાંધીનગરના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈએ આખરે આગોતરા અરજી કરી હતી. વિરમ દેસાઈ પાસેથી આવક કરતાં વધુ રૂ. 30,47,05,459ની અપ્રમાણસર મિલકત મળી આવતા એસીબીએ કેસ નોંધ્યો હતો, જેમાં વિરમ દેસાઈ તથા અન્ય 6 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. અરજી પરની વધુ સુનાવણી 12મી માર્ચે પર મુલતવી રાખી હતી.
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે માહિતી આપતા જણાવ્યું હતું કે કુલ 752 પૈકી 664 આરોપીની ધરપકડ કરાઈ છે અને 88 આરોપીની ધરપકડ કરવાની બાકી છે. કુલ દાખલ કરાયેલા 454 ગુના પૈકી 141 ગુનામાં 223 આરોપી સામે ચાર્જશીટ દાખલ કરાઈ છે.