પશ્ચિમ બંગાળ(West Bengal) વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીનો ગરમાવો વધી રહ્યો છે. દરેક પાર્ટી પોત પોતાની રીતે મતદારોને પોતાના તરફ ખેંચવાના ભરપૂર પ્રયત્નો કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે (Amit Shah) એક ચૂંટણી રેલીમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. કહેવાય છે કે અમિત શાહની આ જાહેરાત બંગાળ ચૂંટણીમાં માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ શકે છે.
દરેક ખેડૂતને મળશે 18 હજાર રૂપિયા
મોદી સરકારે ખેડૂતો (Farmers) માટે કિસાન સન્માન નિધિની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ મળવાપાત્ર ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા સરકાર તરફથી આપવામાં આવે છે. આ યોજનાને હજુ બંગાળમાં લાગુ કરાઈ નથી. ચૂંટણી રેલીમાં અમિત શાહે જાહેરાત કરી કે જો બંગાળમાં ભાજપની સરકાર બની તો કિસાન સન્માન નિધિ શરૂઆતથી લાગુ કરવામાં આવશે. કિસાન સન્માન નિધિ દેશમાં લાગુ કર્યે બે વર્ષ થઈ ચૂક્યા છે જે હેઠળ 12-12 હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખવામાં આવ્યા છે. અમિત શાહના નિવેદનને તેની સાથે જોડવામાં આવી રહ્યું છે. બંગાળમાં ચૂંટણી જીતવા પર ભાજપ દરેક ખેડૂતના ખાતામાં 2 વર્ષની બાકી રકમની સાથે ત્રીજો હપ્તો પણ જમા કરશે જેનાથી ખેડૂતના ખાતામાં 18-18 હજાર રૂપિયા આવશે.