ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અવસાન પામ્યા હોવાની અફવા ચારેકોર ફેલાઇ હતી. તરત તેમના પુત્ર અભિજિત મુખરજીએ ખુલાસો કર્યો હતો કે આ એક અફવા છે. મારા પિતા હજુ જીવે છે. મહેરબાની કરીને ખોટી અફવા ફેલાવશો નહીં.
પ્રણવ મુખરજીની પુત્રી શર્મિષ્ઠાએ પણ તરત ટ્વીટર પર આ અફવાને રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે હૉસ્પિટલ તરફથી મળતા અપડેટ્સ માટે મારો ફોન ફ્રી રહે એવી મારી ઇચ્છા છે એટલે મિડિયાને વિનંતી કે મારા પિતાના મરણની અફવા વિશે પૂછપરછ કરવા મને ફોન કરશો નહીં.
અત્રે એ યાદ કરવાનું કે સોમવારે તબિયત બગડતાં 84 વર્ષના પ્રણવ મુખરજીને ભારતીય લશ્કરની રિસર્ચ એન્ડ રેફરલ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમના પર બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી. એ પહેલાં તેમનો કોરોના ટેસ્ટ કરાયો ત્યારે કોરોના પોઝિટિવ હોવાનું પણ જાણવા મળ્યું હતું.
બુધવારે તેમને વેન્ટિલેટર પર રાખવાની ડૉક્ટરોને ફરજ પડી હતી. બુધવારે તેમની તબિયત નાજુક હોવાનું જણાવાયું હતું પરંતુ ત્યારબાદ તેમની તબિયત સ્થિર હોવાનું જાહેર કરાયું હતું.
પ્રણવ મુખરજીના પુત્ર અભિજિતે પણ ટ્વીટર પર પિતાના મૃત્યુની અફવાને સ્પષ્ટ શબ્દોમાં રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે મારા પિતા હજુ જીવે છે અને હીમોડાયનેમિકલી સ્ટેબલ છે. તેમના મૃત્યુની અફવા ફેલાવશો નહીં એવી મારી સૌને હાર્દિક વિનંતી છે.
શ્રી મુખરજી 2012થી 2017 સુધી રાષ્ટ્રપતિ હતા અને 2019માં તેમને ભારત રત્ન એવોર્ડની નવાજેશ કરવામાં આવી હતી. એ પહેલાં 1980ના દાયકામાં તેમણે દેશના નાણાં પ્રધાન તરીકે પણ ઉલ્લેખનીય સેવા બજાવી હતી. છેલ્લા પાંચેક દાયકાથી તેઓ રાજકારણમાં સક્રિય હતા. વિવિધ સરકારોમાં વિવિધ હોદ્દા પર તેમણે કામ કર્યું હતું અને શાસક પક્ષ ઉપરાંત વિપક્ષોની પણ પ્રશંસા પ્રાપ્ત કરી હતી.