દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નાતાલ પ્રાંતમાં પૂરથી મૃત્યુઆંક વધીને ૪૦૦ પર પહોંચી ગયો છે જ્યારે હજારો બેઘર થયા છે. એક સરકારી અધિકારીએ આ માહિતી આપી. શુક્રવાર સુધીમાં કુલ ૪૦,૭૨૩ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. રાહત પ્રયાસોને ટેકો આપવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પૂરગ્રસ્ત વિસ્તારમાં ૪,૦૦૦ થી વધુ કામદારોને તૈનાત કરવામાં આવ્યા છે. કામદારો રોડ, પાણી પુરવઠો, સ્વચ્છતા અને વીજળી જેવા ક્ષતિગ્રસ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મરામતમાં વ્યસ્ત છે.
દક્ષિણ આફ્રિકાની હવામાન સેવા અનુસાર, આગામી દિવસોમાં પ્રાંતના ભાગોમાં વધુ વરસાદની અપેક્ષા છે. સરકારી અધિકારીએ કહ્યું કે, “આજે બપોરથી શનિવાર સાંજ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદની સંભાવના છે.”
ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સાથે જાેડાયેલા કર્મચારીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ક્વાઝુલુ-નાતાલમાં કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રસ્તાઓ, ઘરો, શાળાઓ, ઈલેક્ટ્રીક થાંભલાઓ અને અનેક સરકારી ઈમારતોને નુકસાન થયું છે.
નેટકેર ૯૧૧ ના સીન હર્બસ્ટે એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, “દુર્ભાગ્યે, હજુ પણ ઘરોમાંથી, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાંથી મૃતદેહો મળી રહ્યા છે.” ડરબન ઇમરજન્સી મેડિકલ સર્વિસીસના પ્રવક્તા રોબર્ટ મેકેન્ઝીએ જણાવ્યું હતું કે પ્રથમ પૂરના છ દિવસ પછી, બચી ગયેલા લોકોને શોધવાની આશા ઘટી રહી છે અને હવે ધ્યાન ફક્ત રિકવરી અને માનવતાવાદી રાહત પર છે.
દક્ષિણ આફ્રિકાની સરકારે જણાવ્યું હતું કે પૂરને કારણે ૧૩,૫૦૦ થી વધુ ઘરોને નુકસાન થયું છે અને ૫૮ હોસ્પિટલો સહિત લગભગ ૪,૦૦૦ સંપૂર્ણ નાશ પામ્યા છે. હાલ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.