ભારતીય ટીમે રવિવારે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૧માં પોતાની અંતિમ લીગ મેચમાં જાપાનને ૬-૦થી કારમો પરાજય આપ્યો છે. ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલિસ્ટ ટીમે મનદીપ સિંહની આગેવાનીમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. તેણે દરેક વિભાગમાં ડોમિનેટ કર્યુ હતું. ખાસ કરીને ગોલકીપર સૂરજ કરકેરાએ સાવચેતી સાથે અનેક તક બચાવી અને જાપાનના ગોલ કરવાના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. પાકિસ્તાન વિરુદ્ધ બે ગોલ કરનાર હરમનપ્રીત સિંહે અહીં પણ દમદાર પ્રદર્શન કરતા બે ગોલ કર્યા હતા. દિલપ્રીત સિંહ, જરમનપ્રીત સિંહ, સુમીત અને શમશેરના નામે એક-એક ગોલ રહ્યો હતો. આ રીતે ભારતીય ટીમે ટોપ પર રહેતા લીગ રાઉન્ડ સમાપ્ત કર્યો છે. ભારત અને જાપાન વચ્ચે છેલ્લે ટોક્યો ઓલિમ્પિકમાં ટક્કર થઈ હતી, જ્યાં ટીમ ઈન્ડિયાએ ૫-૩થી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ હાફમાં સારી શરૂઆત કરી. તેણે આક્રમક હોકી રમતા ૧૦ મિનિટમાં ૩ પેનલ્ટી કોર્નર મેળવ્યા અને એક ગોલ કર્યો હતો. ૧૦મી મિનિટમાં મળેલા પેનલ્ટી કોર્નર પર હરમનપ્રીત સિંહે ગોલ કર્યો હતો. આ સાથે જાપાન પર ૧-૦ની લીડ મેળવી લીધી હતી. આ ક્વાર્ટરમાં જાપાનને પણ તક મળી પરંતુ તેના ખેલાડીઓ ગોલ કરી શક્યા નહીં. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજીવિત રહેનાર ભારત માટે બીજાે ગોલ દિલપ્રીત સિંહે કર્યો હતો. ૨૩મી મિનિટમાં તેણે શાનદાર હિટ લગાવી બોલ ગોલપોસ્ટમાં પહોંચાડી દીધો હતો. જરમનપ્રીત સિંહે ૩૪મી મિનિટમાં ભારત માટે ત્રીજાે ગોલ કર્યો. આ ફીલ્ડ ગોલ હતો. ત્યારબાદ સુમિતે ૪૬મી, હરમનપ્રીતે ૫૩મી અને શમશેરે ૫૪મી મિનિટમાં બોલ કરી ટીમનો સ્કોર ૬-૦ કરી દીધો હતો. આ રીતે છેલ્લા ક્વાર્ટરમાં ભારતે ૩ ગોલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ઓલિમ્પિકના ઐતિહાસિક અભિયાન બાદ પોતાની પ્રથમ ટૂર્નામેન્ટ રમી રહેલી ભારતીય ટીમે શરૂઆતી મેચમાં કોરિયાને ૨-૨થી બરોબરી પર રોક્યુ હતું. ટીમે ત્યારબાદ શાનદાર વાપસી કરી અને બાંગ્લાદેશને ૯-૦થી પરાજય આપ્યો હતો. શુક્રવારે ભારતે પાકિસ્તાનને ૩-૧થી પરાજય આપ્યો હતો.