ગુજરાતમાં મંગળવારે એટલે ગઇકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા. જે બાદથી એક વીડિયો સોશિયલ મીડિયામા ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો ગ્રામ પંચાયતના વિજય સરઘસનો છે. વિજય સરઘસના આ વાયરલ વીડિયોમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લાગતા સંભળાઇ છે. ચર્ચા પ્રમાણે આ વીડિયો અંજાર તાલુકાનો માનવામાં આવી રહ્યો છે. પરંતુ આ અંગે હજી કોઇ પુષ્ટી થઇ નથી. આ વીડિયોમાં લોકોનું ટોળું પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતા દેખાઇ રહ્યા છે. આ અંગેની ચર્ચાઓ પ્રમાણે, આ વીડિયોમાં જાેવા મળી રહેલા ઉમેદવાર અને સમર્થકો કચ્છના દૂધઈ ગામના વતની હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. જાેકે, આ વીડિયો વાયરલ થતા ગુજરાતના રાજકારણમાં પણ ખળભળાટ મચ્યો છે.
જેની સાથે કચ્છ પોલીસ પણ એક્શનમાં આવી ગઇ છે. આ અંગે જ્યારે અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહીર સાથે ખાસ વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યુ કે, આ રીતનો જે બનાવ બન્યો છે તે શરમજનક છે. હિન્દુસ્તાનમાં રહીને પણ પાકિસ્તાનના નારા લગાવવા તે ઘણું જ દુર્ભાગ્ય કહેવાય. આમની સામે ચોક્કસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ શરમજનક છે. આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા પ્રમાણે,’ આજે વહેલી સવારે આ અંગેનો ગુનો દાખલ કરી લેવામાં આવ્યો છે. તમામ લોકોને પકડવામાં આવશે. તો સરકાર પણ કચ્છ બાબતે ગંભીરતા પૂર્વક પગલા ભરી રહી છે અને નારા લગાવવામાં સામેલ તમામ લોકોને પકડી લેવામાં આવશે.’